છેલ્લા 24 કલાકમાં કપરાડામાં 10 ઈંચથી વધારે વરસાદ
પોશીના, ધરમપુરમાં 6-6 ઈંચ
રાજ્યમાં ચાલુ સિઝનનો સરેરાશ વરસાદ 102.89 ટકા
અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ છે, છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. રાજ્યના 243 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જે પૈકી 139 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જેમાં કપરાડા તાલુકામાં 10.51 ઈંચ, પોશીના, ધરમપુર તાલુકામાં 6.6 ઈંચ, રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ અને પાલનપુર તાલુકામાં 4-4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો પડ્યો હતો.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર મુજબ તા. 7 મી સપ્ટેમ્બરના રોજ સવારે 6 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન સાણંદ, કડી, બોટાદ, સંતરામપુર, સતલાસણા, દાંતા, પડધરી, વાવ, ધાનેરા, પાટણ, પારડી, ભિલોડા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઉમરપાડા અને મોડાસા મળી કુલ 15 તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોધાયો છે. મહેસાણા, ટંકારા, બાયડ સિદ્ધપુર, રાપર, જામકંડોરણા, ધાનપુર ખેરગામ, ઈડર, વાપી, સાગબારા, ઝાલોદ, ખેરાલુ, વિસનગર, બાલાસિનોર, તિલકવાડા, માળીયા, દસક્રોઈ, હાલોલ, ઝાંબુધોડા, દસાડા, સંખેડા, દાહોદ, વિરમગામ, ધોરાજી, જોડીયા, જોટાણા, વલસાડ, કડાણા, હળવદ, સૂઈગામ, ઉંઝા, રાજકોટ, થરાદ, બોડેલી, ધ્રોલ અને વડનગર મળી કુલ 38 તાલુકાઓમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના અન્ય 75 તાલુકાઓમાં એક થી અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89 ટકા જેટલો નોધાયો છે. ઉત્તર ગુજરાત રિજીયનમાં 106.50 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં 107.34 ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં 91.29 ટકા અને દક્ષિણ રીજીયનમાં 107.99 ટકા જેટલો વરસાદ નોધાયો છે.