અભિનેતા સોનુ સૂદ પણ પંજાબ પહોંચ્યાં
પંજાબમાં પૂરથી અત્યાર સુધીમાં 46 લોકોનાં મોત
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરના રોજ પંજાબના પૂરગ્રસ્ત ગુરદાસપુર જિલ્લાની મુલાકાત લેશે. વડાપ્રધાન ગુરદાસપુરના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે અને નુકસાનનો અંદાજ મેળવશે. પંજાબમાં તાજેતરમાં આવેલા પૂરથી 23 જિલ્લાનાં આશરે 1,900થી વધુ ગામો પ્રભાવિત થયાં છે, જેમાં 46 લોકોએ જીવ ગુમાવ્યાં છે અને 1.71 લાખ હેક્ટર પાક નાશ પામ્યો છે.
અભિનેતા અને સમાજસેવક સોનુ સૂદ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે રવિવારે સવારે અમૃતસર એરપોર્ટ પહોંચ્યાં હતા. તેમણે પૂરથી તબાહ થયેલા વિસ્તારોમાં રાહત કાર્યમાં યોગદાન આપવા અને પ્રભાવિત લોકોને મદદ કરવાની વાત કરી છે.
સોનુ સૂદે એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, હું બાગપુર, સુલતાનપુર લોધી, ફિરોઝપુર, ફાઝિલ્કા અને અજનલા જેવા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈશ અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવીશ. પંજાબમાં હજુ પણ વરસાદ ચાલુ છે, જેના કારણે ઘણાં ઘર તબાહ થઈ ગયાં છે અને લોકોની આજીવિકા પર ગંભીર અસર પડી છે. હું શક્ય તમામ મદદ કરવાનો પ્રયાસ કરીશ અને સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી પ્રભાવિત લોકોની જરૂરિયાતોની યાદી લઈશ.
તેમણે વધુમાં કહ્યું કે, પંજાબને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવવામાં અનેક મહિના લાગશે. આ એક કે દસ દિવસનું કામ નથી. ઘણા લોકો મદદ માટે આગળ આવી રહ્યાં છે, પરંતુ આપણે વધુ લોકોને સાથે લાવવાની જરૂર છે જેથી પંજાબનું શક્ય એટલી વહેલી તકે પુનર્નિર્માણ કરી શકાય. જેમનાં ઘર બરબાદ થઈ ગયાં છે, તેમના માટે અમે સાથે મળીને કેટલાક ઘર બનાવવાનો પ્રયાસ કરીશું. હું સૌથી વધુ પ્રભાવિત ગામો સુધી પહોંચવાનો પ્રયાસ કરીશ અને હાલમાં વહેલા પાછા જવાની મારી કોઈ યોજના નથી.
