અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચાવવા માટે કરવામાં આવેલી અપીલને પ્રતિસાદ આપતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી કેમ્પસમાં હવે અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાર પૂલિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, વડાપ્રધાનની ઈંધણ બચાવવાની અપીલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. જે કર્મચારીઓ કે અધિકારીઓ પોતાની ખાનગી કાર લઈને યુનિવર્સિટી આવે છે, તેઓએ પોતાની આસપાસ કે રસ્તામાં રહેતા અન્ય સહકર્મીઓને સાથે લાવવાના રહેશે. આ વ્યવસ્થાથી રોડ પર વાહનોની સંખ્યા ઘટશે અને સીધી રીતે પેટ્રોલ-ડીઝલની બચત થશે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે.
પીએમ મોદીના વર્ક ફ્રોમ હોમના સૂચન અંગે સ્પષ્ટતા કરતા કુલપતિએ જણાવ્યું કે, યુનિવર્સિટીમાં અત્યારે ટીચિંગ સ્ટાફનું વેકેશન ચાલી રહ્યું છે અને વહીવટી કામગીરી માટે નોન-ટીચિંગ સ્ટાફની હાજરી અનિવાર્ય છે. હાલમાં યુનિવર્સિટીની ફાઈનલ પરીક્ષાઓ ચાલી રહી હોવાથી કર્મચારીઓને ઘરેથી કામ આપી શકાય તેમ નથી. પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી વર્ક ફ્રોમ હોમ આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીની આ પહેલથી માત્ર ઇંધણની જ બચત નહીં થાય, પરંતુ કેમ્પસમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યામાં પણ ઘટાડો થશે.