- પ્રતીક યાદવ મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા
- 2003માં મુલાયમ સિંહ યાદવે સાધના ગુપ્તા સાથે લગ્ન કર્યા બાદ પ્રતીકને સાર્વજનિક રીતે પુત્ર તરીકેનો સ્વીકાર કર્યો હતો
- યોગી આદિત્યનાથે કર્યા અંતિમ દર્શન
લખનૌઃ સમાજવાદી પાર્ટીના સંરક્ષક સ્વ. મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર અને અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું બુધવારે સવારે લખનૌમાં નિધન થયું છે. માત્ર 38 વર્ષની વયે તેમના અચાનક અવસાનથી યાદવ પરિવાર અને રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમનું કાર્ડિયાક એરેસ્ટથી મોત થયાનું સામે આવ્યું છે.
બુધવારે સવારે અંદાજે 6 વાગ્યે પ્રતીક યાદવની તબિયત લથડતા તેમના સાળા અમન સિંહ બિષ્ટ તેમને તાત્કાલિક લખનૌની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ડીસી પાંડેયના જણાવ્યા મુજબ, જ્યારે તેમને લાવવામાં આવ્યા ત્યારે તેમની પલ્સ બંધ હતી અને હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
લખનૌ મેડિકલ કોલેજમાં કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, પ્રતીક યાદવના મૃત્યુનું મુખ્ય કારણ કાર્ડિયાક અરેસ્ટ અને પલ્મોનરી થ્રોમ્બોએમ્બોલિઝમ હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ફેફસાની નસોમાં લોહીના ગઠ્ઠા જામી જવાને કારણે હૃદય અને ફેફસાએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.
#WATCH | Lucknow | UP CM Yogi Adityanath leaves from the residence of BJP leader Aparna Yadav after paying his last respects to her husband, and Samajwadi Party Founder Mulayam Singh Yadav's son, Prateek Yadav, who died earlier today. pic.twitter.com/xdApifviHe
— ANI (@ANI) May 13, 2026
ઘટનાની જાણ થતા જ સપા પ્રમુખ અખિલેશ યાદવ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા હતા. તેમણે ભાઈના મૃતદેહના દર્શન કર્યા અને ડ્રાઈવર સાથે વાતચીત કરી વિગતો મેળવી હતી. તેમણે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી. પ્રતીક યાદવના પત્ની અને ભાજપ નેતા અપર્ણા યાદવ આસામથી તાત્કાલિક લખનૌ પરત ફર્યા છે. તેઓ આસામમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં ગયા હતા.
નોંધનીય છે કે ગત 30 એપ્રિલના રોજ પણ પ્રતીક યાદવને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ત્રણ દિવસ બાદ રાહત થતા તેઓ હોસ્પિટલમાંથી રજા લીધા વિના ઘરે પરત ફર્યા હતા. તેઓ 'પલ્મોનરી એમ્બોલિઝમ' જેવી ગંભીર બીમારીથી પીડાતા હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.