(Demo Pic)
- ખાનગી ક્ષેત્રમાં વર્ક ફ્રોમ હોમ માટે વિચારણા
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન પેટ્રોલ-ડીઝલની બચત કરવા, કાર પૂલિંગ અપનાવવા અને મેટ્રો રેલનો મહત્તમ ઉપયોગ કરવા કરેલી અપીલ બાદ રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. પર્યાવરણ જાળવણી અને આર્થિક બચતના ઉદ્દેશ્ય સાથે સરકાર હવે વહીવટી અને કોર્પોરેટ સ્તરે મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે.
રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ એક સૂચક નિવેદન આપતા જણાવ્યું છે કે, ટ્રાફિક અને ઇંધણનો વપરાશ ઘટાડવા માટે સરકાર ફરી એકવાર વર્ક ફ્રોમ હોમ મોડલ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ અંગે ટૂંક સમયમાં જ મોટી ખાનગી કંપનીઓ અને વિવિધ બિઝનેસ એસોસિયેશનો સાથે બેઠક યોજાશે. મોટા શહેરોમાં ઓફિસ જવા-આવવા માટે થતા ઇંધણના વપરાશને ઘટાડવો અને ઓનલાઈન કાર્ય પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવશે.
માત્ર ખાનગી ક્ષેત્ર જ નહીં, પરંતુ સરકાર પોતાના કાર્યક્રમોમાં પણ મોટા ફેરફાર કરવા જઈ રહી છે. મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓના આઉટડોર કાર્યક્રમોમાં હેલિકોપ્ટરના વપરાશને બદલે હવે વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમો યોજવાની શક્યતા છે. એવિએશન ફ્યુઅલ અને પેટ્રોલ-ડીઝલની બચત કરવા માટે હાઈ-લેવલ પર ચર્ચા ચાલી રહી છે, જેથી સમય અને નાણાં બંને બચાવી શકાશે.