+

ગુજરાતમાં કાળઝાળ ગરમી બની જીવલેણ: સુરત અને વડોદરામાં હીટસ્ટ્રોકથી બે લોકોનાં મોત

ગરમીમાં સાવચેતી રાખવા લોકોને અપીલ  જરૂર વગર ઘરની બહાર ન જવું અને પાણી વધારે પીવું અમદાવાદઃ અમદાવાદ, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે સૂર્યદેવતા આકરા પાણીએ છે. છેલ્લ

ગરમીમાં સાવચેતી રાખવા લોકોને અપીલ 

જરૂર વગર ઘરની બહાર ન જવું અને પાણી વધારે પીવું

અમદાવાદઃ અમદાવાદ, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે સૂર્યદેવતા આકરા પાણીએ છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને સુરતમાં 11 મેના રોજ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો, અને આ ગરમીએ એક આશાસ્પદ યુવકનો જીવ લીધો છે.

બિહારના ગોપાલગંજથી સુરતના સચિન વિસ્તારમાં રોજીરોટી કમાવવા આવેલા 28 વર્ષીય અનુજકુમારનું હીટસ્ટ્રોકને કારણે મોત નીપજ્યું હતું. 11 મેના રોજ જ્યારે સુરતનું તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ (સામાન્ય કરતા 6.8 ડિગ્રી વધુ) હતું, ત્યારે પાલીગામમાં મશીન રિપેરિંગનું કામ કરતી વખતે અનુજકુમાર અચાનક ઢળી પડ્યો હતો. તેના ભાઈ કુંદન કુમારની નજર સામે જ તેણે દમ તોડ્યો હતો. તબીબોના પ્રાથમિક અનુમાન મુજબ, અતિશય ગરમી અને ડિહાઇડ્રેશનને કારણે હૃદય પર દબાણ વધતા તેનું મૃત્યુ થયું હતું.

ગરમીનો ભોગ માત્ર શ્રમિકો જ નહીં, પણ ઘરમાં રહેતા વૃદ્ધો પણ બની રહ્યાં છે. વડોદરામાં 74 વર્ષીય કમુબેન પરમારને પોતાના ઘરે જ ગરમીના કારણે ગભરામણ થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલ લઈ જતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં ગરમી સંબંધિત બીમારીઓના આંકડા ચિંતાજનક છે. 4 દિવસમાં હીટ ઇલનેસના 32 કેસ નોંધાયા હતા. 11 મેના રોજ એક જ દિવસમાં 13 કેસ નોંધાયા હતા. સુરત અને ખેડામાં સૌથી વધુ 3-3 કેસ, જ્યારે અમદાવાદ, આણંદ, ભરૂચ અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ કેસો જોવા મળ્યાં હતા.

facebook twitter