આખરે એટ્રોસિટી કેસમાં હાઇકોર્ટે ગણેશ ગોંડલને આપ્યાં શરતી જામીન, જૂનાગઢમાં પ્રવેશ પર પ્રતિબંધ

09:02 PM Oct 03, 2024 | gujaratpost

અમદાવાદઃ જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરીને તેને માર મારવાના અને એટ્રોસિટીના કેસમાં ગણેશ ગોંડલને જામીન મળી ગયા છે, ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યાં છે. હાઇકોર્ટે કેટલીક શરતોને આધીન ગણેશ અને તેના 4 સાથીઓને જામીન આપ્યાં છે. જેમાં જૂનાગઢમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે.

ગણેશ ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય અનિરુદ્ધસિંહ જાડેજાનો પુત્ર છે. થોડા સમય પહેલા જૂનાગઢમાં દલિત યુવક સાથે માથાકૂટ થયા પછી તેનું અપહરણ કરીને તેને ગોંડલ લાવવામાં આવ્યો હતો, તેને નગ્ન કરીને માર મરાયો હતો અને ગાળો આપવામાં આવી હતી, આ મામલે જૂનાગઢ પોલીસે ગણેશ (જ્યોતિરાદિત્યસિંહ જાડેજા) અને તેના સાથીઓ સામે ગુનો દાખલ કર્યો હતો અને તેમની ધરપકડ કરી હતી.

આ કેસમાં ગણેશ અને તેના 4 સાથીઓને જામીન મળ્યાં છે. 6 મહિના સુધી તેઓ જૂનાગઢમાં પ્રવેશી શકશે નહીં. બીજી તરફ ગણેશની હાલમાં જ ગોંડલ નાગરિક બેંકમાં વાઇસ ચેરમેન તરીકે નિમણૂંક થઇ છે. તે જેલમાંથી ચૂંટણી લડીને જીત્યો હતો. બેંકના ચેરમેન તરીકે અશોક પીપળીયા ત્રીજી વખત ચેરમેન બન્યાં છે.

નોંધનિય છે કે આ કેસમાં દલિત સંગઠનોએ જાડેજા પરિવાર સામે રેલી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો, પરંતુ બાદમાં જૂનાગઢના દલિત પરિવારના કેટલાક સભ્યો સામે પણ ગુનો દાખલ થયો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526