શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરથી ભાજપ માટે દુ:ખદ સમાચાર આવ્યાં છે. નગરોટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર સિંહ રાણાનું નિધન થયું છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમણે નગરોટા બેઠક પરથી જંગી મતો સાથે જીત મેળવી હતી. તેમના નિધન પર પીએમ મોદી અને અમિત શાહે શોક વ્યક્ત કર્યો છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં દેવેન્દ્ર સિંહ રાણાને 48113 મત મળ્યાં હતા. જ્યારે NC ઉમેદવાર જોગીન્દર સિંહને 17641 વોટ મળ્યાં હતા. દેવેન્દ્ર સિંહે 30472 મતોથી જંગી જીત મેળવી હતી. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બલબીર સિંહને 6979 વોટ મળ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું, દેવેન્દ્ર સિંહ રાણાજીનું અકાળે અવસાન આઘાતજનક છે. તેઓ એક પીઢ નેતા હતા, જેમણે જમ્મુ અને કાશ્મીરની પ્રગતિ માટે ખંતપૂર્વક કામ કર્યું હતું. તેઓ હમણાં જ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા અને ભાજપને મજબૂત બનાવવામાં પણ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.
અમિત શાહે એક્સ પર લખ્યું, જમ્મુ અને કાશ્મીર ભાજપના વરિષ્ઠ નેતા અને નગરોટા વિધાનસભાના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાના અકાળે અવસાનથી હું ખૂબ જ દુઃખી છું. તેઓ હંમેશા જમ્મુ અને કાશ્મીરની શાંતિ અને વિકાસ અને લોકોના હિત માટે સમર્પિત હતા, તેમણે અમૂલ્ય યોગદાન આપ્યું હતું. હું તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
એક્સ પર પોસ્ટ કરતાં મહેબૂબા મુફ્તીએ લખ્યું કે દેવેન્દ્ર રાણાના આકસ્મિક નિધન વિશે સાંભળીને હું તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસે લખ્યું કે નગરોટાના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાના નિધનથી દુઃખી અને આઘાતમાં છીએ. તેઓ એક મજબૂત નેતા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++