(આરોપી બાબર અને મૃતક તપન પરમારનો ફોટો)
વડોદરાઃ અમદાવાદ બાદ વડોદરામાં હત્યાથી રાજ્યમાં સનસનાટી મચી ગઇ છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની સયાજી હોસ્પિટલમાં હત્યા થઇ છે. બે યુવાનોનો વચ્ચે ઝઘડા થયો હતો. તેમની મદદમાં આવેલા તપન પર પોલીસની હાજરીમાં બાબર નામના શખ્સે છરીથી હુમલો કર્યો હતો, હુમલો કર્યા બાદ બાબર તેના સાગરિતો સાથ ફરાર થઇ ગયો હતો.
તપન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. તપન પરમારના બે મહિના પછી લગ્ન થવાના હતા. પુત્રના અકાળે મોત બાદ પરિવારમાં માતમનો માહોલ છવાઇ ગયો છે.
મૃતક તપન પરમારના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાં હતા અને હોબાળો મચાવ્યો હતો. મૃતકના માતાએ આક્રોશ ઠાલવતા કહ્યું કે મારા દીકરાના બે મહિના પછી લગ્ન થવાના હતા. મારા દીકરાના દીકરાને રમાડવાના ઓરતા અધૂરા રહી ગયા. ગુનેગારને અમારી સામે જ ફાંસી આપો, નહીં તો અમારી સામે લાવો. બાબરને પોલીસ સયાજી હોસ્પિટલ લઇને આવી ત્યારે તેને હથકડી પહેરાવી ન હતી. જેથી તે ભાગી ગયો હતો, પહેલા આરોપીને ફાંસી આપો પછી મારા દીકરાને અહીં લાવો. એ જ અમારો ન્યાય છે.
મૃતક તપનના પિતા અને ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાએ જણાવ્યું કે નાગરવાડા મહેતા વાડીમાં ઝઘડો થતા વિક્રમ અને ભયલુને ગંભીર ઈજા પહોંચી હતી, તે બંનેને સારવાર માટે હું અને મારો પુત્ર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ સારવાર માટે લઈને આવ્યાં હતા. બંનેની સારવાર ચાલુ કર્યા બાદ તેના માતા-પિતાને મળ્યો હતો અને મારા દીકરાને કહ્યું હતું કે આ બંને યુવકોની સારવાર થાય તે પછી તું ઘરે આવી જજે. હું ઘરે પહોંચ્યો અને અચાનક એક યુવક મને ઘરે બોલાવવા માટે આવ્યો અને સયાજી હોસ્પિટલ તપનને તલવાર વાગી હોવાનુ જણાવ્યું હતું. જેથી હું સયાજી હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યા મને મારા દીકરા પર બાબર પઠાણ નામના યુવકે તલવારથી હુમલો કરીને મારી નાખ્યો હોવાની જાણકારી મળી હતી.
પોલીસની નજર સામે જ ગુનાને અંજામ આપ્યાનો આક્ષેપ છે. જ્યારે ઘટનાને પગલે મોડી રાત્રે સયાજી હોસ્પિટલમાં DCP, ACP કક્ષાના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યાં હતા. રાજકીય અગ્રણીઓ પણ હોસ્પિટલ પહોંચ્યાં હતા. ત્યારે આ હત્યા બાદ લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++