ભાજપ સરકાર અને અધિકારીઓ સામે લોકોમાં રોષ
વડોદરાઃ ચોમાસું હજુ શરૂ થયું છે ત્યાં ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા છે. શહેરમાં ખાડાઓને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને સ્થાનિકોએ અનોખો વિરોધ કર્યો હતો. રહીશોએ કાર પર બેનરો લગાડીને વિરોધ કર્યો હતો. ખાડાથી ગંભીર અકસ્માત થવાના અનેક બનાવો છે.
રસ્તાઓનું ધોવાણ થતા લોકો પરેશાન થઈ રહ્યાં છે. આ અંગે લોકોમાં જાગૃતતા લાવવા અને તંત્રની આંખો ખોલવા અનોખી રીતે અભિયાન હાથ ધરાયું છે. કલાલી, અટલાદરા, બિલ અને વિશ્વામિત્રી વિસ્તારમાં "ડામરના ભ્રષ્ટાચારીના ઘરે આવો બાળક જન્મશે" તેવા પોસ્ટર સાથેની જીપ નીકળી હતી. સનસીટીથી સૂર્યદર્શન ટાઉનશીપનો માર્ગ, સિદ્ધેશ્વર ફ્લેટથી બિલ રોડ, અટલાદરાથી બિલરોડ અને બિલથી ભાયલી ફાટકનો માર્ગનું ધોવાણ થઈ જતા રસ્તાઓ ઉપર મોટા ખાડા પડ્યાં છે. વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને અકસ્માતનો ભય સતાવે છે. આવા રસ્તાઓની અનેક ફરિયાદો હોવા છતાં સમસ્યાનો ઉકેલ કાયમી ધોરણે આવી રહ્યો નથી.
સ્થાનિકોએ કહ્યું કે, કલાલી મનપામાં છે છંતા રોડ, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા હજુ મળી નથી. ભાજપના નેતાઓને પ્રજાએ ખોબે ખોબા ભરીને મત આપ્યાં હતા, પણ સુવિધા નથી મળી. ગત વર્ષે આવેલા પૂરમાં કલાલી વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. એક વર્ષ બાદ પણ આ વિસ્તાર નર્કાગારની સ્થિતિમાં છે.
