ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ
રાજયમાં કૂલ સિઝનનો 40 ટકાથી વધુ વરસાદ થયો
સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો
ગાંધીનગરઃ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યાં હતા. જે મુજબ 209 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. તાપીના ડોલવણમાં સૌથી વધુ 6.18 ઈંચ વરસાદ પડ્યો હતો.
ડાગંના સુબીરમાં 5.27 ઈંચ, કચ્છના ભૂજમાં 5 ઈંચ, સુરતના બારડોલીમાં 4.92 ઈંચ, સુરતના પલસાણામાં 4.44 ઈંચ, કચ્છના નખત્રાણામાં 4.40 ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં 4.21 ઈંચ, તાપીના વ્યારામાં 3.89 ઈંચ વરસાદ વરસ્યો હતો.
આજે સવારે બોટાદના ગઢડા તાલુકાનો ભીમદાડ ડેમ ઓવરફલો થયો હતો. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો હતો.
હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા 5 દિવસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી તથા ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં પૂરની સ્થિતિને જોતા નવસારી શહેરી વિસ્તારની શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે.