એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી
ઓસ્ટ્રેલિયા જઈ રૂપિયા કમાવાની ઈચ્છા અધૂરી રહી
મહેસાણાઃ ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા જાણીતી છે. ગમે તેમ કરીને વિદેશ જવાનો યુવાનોમાં ક્રેઝ વધી રહ્યો છે. જેમાં વિદેશ જવાની ઘેલછામાં વિજાપુર તાલુકાના રણાસણ ગામના યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઓસ્ટ્રેલિયા મોકલવાનું કહી મોતીપુરાના શખ્સે રૂ.29 લાખ લીધા બાદ કામ કર્યું નહીં અને પૈસા પણ પરત આપ્યાં ન હતા, જેમાં માનસિક તણાવમાં આવી ગયેલા 19 વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતા તેનું મોત થયું હતું.
મૃતક પાસેથી મળેલી સ્યૂસાઇટ નોટને આધારે તેની માતાએ મોતીપુરાના એજન્ટ સામે છેતરપિંડી અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી હતી. યુવકના આપઘાતથી માતાએ જીવનનો આધાર ગુમાવ્યો હતો.
મૂળ કમાલપુર (જંત્રાલ)નાં અને 13 વર્ષથી રણાસણ ગામે પરાવાસમાં માતા-પિતા સાથે રહેતાં સુરેખાબેન રાકેશકુમાર પટેલનો 19 વર્ષીય પુત્ર હર્ષિત ગત તા.4 જુલાઈએ બપોરે ઘરે સૂઈ ગયો હતો. ત્યારે ત્રણેક વાગે તેની માતા સુરેખાબેન ચા પીવા જગાડવા ગયાં હતા, ત્યારે તેણે ચક્કર આવે છે તેમ કહ્યું હતું અને બાદમાં ઉલ્ટી કરી હતી.
સુરેખાબેને હર્ષિતને પૂછતાં તેણે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા જવાની ફાઇલનું કામ વિજાપુરના મોતીપુરાના ધાર્મિક સુરેશભાઈ પટેલને સવા વર્ષ પહેલાં આપ્યું હતું. તે વખતે ધાર્મિકે છ મહિનામાં ઓસ્ટ્રેલિયા મોકલી આપવા કહ્યું હતું. પરંતુ તેનું કામ થયું ન હતુ.
પૈસા પરત ન આવતા માનસિક તણાવમાં આવીને યુવાને ઝેરી દવા પી લીધી હતી. હર્ષિતને સારવાર માટે વિજાપુરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પિટલ લઇ જવાયો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હાલમાં આ કેસની પોલીસે તપાસ શરુ કરી છે.