વડોદરાઃ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. દારૂ પીને ધમાલ કરતાં લોકો અને મોટી સંખ્યામાં દારૂનો જથ્થો સતત પકડાઇ રહ્યો છે.વડોદરામાં એક પોલીસકર્મીએ જ દારૂ પીને ધમાલ મચાવી હતી. વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમારે દારૂના નશામાં પોતાની સોસાયટીમાં જ સ્થાનિકો સાથે ગાળાગાળી અને ઝઘડો કર્યો હતો, જેનો વીડિયો વાયરલ થતા તેમની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
મકરપુરા વિસ્તારની હરિઓમધામ સોસાયટીમાં રહેતા હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર (ઉ.વ. 37) નોકરી પૂરી કરીને દારૂના નશામાં ઘરે આવ્યાં હતા. તેઓ સોસાયટીના ગેટ પાસે જ સ્થાનિકો સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો કોઈ સ્થાનિકે બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
વીડિયો વાયરલ થયા બાદ અમિત પરમારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતા ત્યાં પણ તેમણે ધમાલ મચાવી હતી. તેમણે નશાની હાલતમાં પોલીસ સ્ટેશનમાં જ ગાળાગાળી કરી હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે પીઆઈ અને પીએસઆઈની સામે જ ધમકીઓ આપી હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.
સ્થાનિકોના કહેવા મુજબ અમિત પરમાર અગાઉ પણ દારૂ પીને લોકોને હેરાન કરતો હતો. એક મહિના પહેલા પણ તેમણે દારૂના નશામાં એક મોટો અકસ્માત સર્જ્યો હતો. તે સમયે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી, પરંતુ પીઆઈ અને પીએસઆઈની વિનંતીથી સમાધાન કરીને કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.