જૂનાગઢઃ વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ જવાહર ચાવડા સતત સમાચારોમાં છે. આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જીત બાદ જવાહર ચાવડાની જયના નારા લગાવ્યા હતા. જે બાદ ફરી એક વખત માણાવદરનું રાજકારણ ગરમાયું છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ શરૂ કરેલા ત્રણ દિવસીય રોજગાર સહાયતા અભિયાનને લઈને ભાજપના નેતાઓ આક્રમક બન્યા છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ જવાહર ચાવડા પર આકરા પ્રહારો કર્યા હતા. આ આરોપ-પ્રત્યારોપથી રાજકીય માહોલ ગરમાયો છે.
માર્ચ-એપ્રિલ 2025થી શરૂ થયેલા આ અભિયાનના બીજા તબક્કામાં જવાહર ચાવડા માણાવદર, વંથલી અને મેંદરડાના બેરોજગાર યુવાનો સાથે સીધો સંવાદ કરી રહ્યાં છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોના પ્રશ્નો અને જરૂરિયાતોને સમજવાનો છે. જવાહર ચાવડાના જણાવ્યા મુજબ, પહેલા દિવસે 250થી વધુ યુવાનોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 80 ટકા લોકો રૂબરૂ મળ્યાં હતા. તેમણે કહ્યું કે યુવાનોની માહિતી ભેગી કર્યા બાદ તેઓ સરકારમાં રજૂઆત કરીને કાર્યપદ્ધતિમાં સુધારો લાવવાનો પ્રયાસ કરશે.
ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાના આ અભિયાનને રાજકીય સ્ટંટ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, જવાહર ચાવડા 30 વર્ષથી રાજકારણમાં છે, હવે તેમને રોજગારીનો મુદ્દો યાદ આવ્યો છે, આ માત્ર રાજકીય નાટકબાજી છે. લાડાણીએ એવો પણ આરોપ લગાવ્યો કે જવાહર ચાવડાના આમ આદમી પાર્ટીમાં જોડાવાના સંકેત મળી રહ્યાં છે, કારણ કે તેમના ટેકેદારો આપમાં જઈ રહ્યાં છે. આ મુદ્દે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, તેલ તો એના પેટમાં રેડાયું છે, જેથી તેઓ આવા સ્ટંટ કરી રહ્યા છે.
પોતાના પર થઈ રહેલા આક્ષેપો પર પૂર્વ મંત્રી અને ભાજપ નેતા જવાહર ચાવડાએ સ્પષ્ટતા કરી કે, વાત ડાયવર્ટ કરવા માટે આક્ષેપો થાય છે. જ્યાં સુધી મારું અભિયાન ચાલુ છે ત્યાં સુધી હું કોઈ જવાબ નહીં આપું. સમય આવશે ત્યારે બધાને જવાબ મળી જશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/