રાજકોટ: શહેરના હુડકો પોલીસ ચોકી નજીક પ્રેમ પ્રકરણમાં દગો મળતા એક યુવકે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. મૃતક યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પોતાની પ્રેમિકાને સંબોધીને પોતાની વ્યથા ઠાલવી હતી. મૃતકના વીડિયો અને સોશિયલ મીડિયા પરની પોસ્ટ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગતો મુજબ, રાજકોટના સંજય રાઠોડ(ઉ.વ. 24) નામના યુવકે પ્રેમમાં નિષ્ફળતા મળતા પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત કરતા પહેલા સંજયે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પોતાની પ્રેમિકાને સંબોધીને કહ્યું હતું કે, કોઈને પામી ન શકે તો તેને પ્રોમિસ ન આપતી. મારા માતા-પિતાનો 24 વર્ષનો પ્રેમ તું એક વર્ષમાં જ લઇ ગઈ છો. તેણે વધુમાં જણાવ્યું કે, મારા ગયા પછી તને કોઈ હેરાન નહીં કરે, એટલે આ વીડિયો બનાવું છું. આ વીડિયોમાં તેણે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું કે, મારી જિંદગીનો બેસ્ટ સમય એ છેલ્લા એક વર્ષનો રહ્યો, પણ હવે જીવવાનું મન નથી થતું.
મૃતક યુવકે વીડિયોમાં પોતાની પ્રેમિકા ઉર્મિલા ને ઉદ્દેશીને કહ્યું કે, ઉર્મિલા, તારા ફોટા અને વીડિયો મારા મોબાઈલમાંથી ડિલીટ કરી નાખ્યાં છે. મને દુનિયાની કોઈ છોકરી રાખી ન શકે તેવી રીતે તે મને રાખ્યો હતો. એવું નથી કે હું તારા વગર જીવી નહીં શકું, પણ હવે મને જીવવાનું મન નથી થતું. તેણે વધુમાં ઉમેર્યું કે, પ્રેમમાં કેટલી તાકાત હશે તે તું વિચાર કર, મારા માતા-પિતાનો 24 વર્ષનો પ્રેમ તું એક વર્ષમાં લઈ ગઈ.
સંજયે જણાવ્યું કે, મેં છેલ્લા સમયમાં બધી રીતે જતું કર્યું, પરંતુ તારું મન હવે ભરાઈ આવ્યું હતું. એટલે હવે હું કઈ કરી શકું તેમ નથી અને તું આવી પણ શકીશ નહીં. યુવકે વીડિયોમાં સ્પષ્ટ કહ્યું કે, હું એટલે નથી મરતો કે હું કાયર છું. તને પામી ન શક્યો, તારી સાથે રહી ન શક્યો એ મારી તકલીફ છે. તેણે પોતાની પ્રેમિકાને ચેતવણી આપતા કહ્યું કે, તારા ભાઈ કે પુત્ર પર આવી હાલત આવશે ત્યારે તને મારી પરિસ્થિતિ સમજાશે.
વીડિયોમાં સંજયે પોતાની અધૂરી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, મારે તારી સાથે લગ્ન કરવા હતા. તું જતી રહી એટલે હું કોઈને મોઢું બતાવી શકું તેમ નથી. યુવકે ઉમેર્યું કે, તારી લાઈફમાં હવે કોઈ પણ વ્યક્તિ આવે, તેને અઢળક પ્રેમ આપજે. આપઘાત કરતા પહેલા સંજયે મોબાઈલમાં રહેલા પ્રેમિકાના ફોટા જોઈને તેને ખૂબ યાદ કરી હતી અને લખ્યું કે, આપણે વિતાવેલો સમય પણ મને બહુ યાદ આવ્યો. હું તારી જિંદગીનો એક નાનકડો ટુકડો હતો. ખોટું ન લગાડતી, હવે હું જાઉં છું.
આ ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આ મામલે આગળની તપાસ હાથ ધરી હતી.