જૂતું ફેંકનારને 'આપ'ના કાર્યકરોએ માર માર્યો
સભામાં જૂતું ફેંકાતા મામલો બિચક્યો
જામનગર: આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત જનસભામાં મોટો હોબાળો થયો હતો, જ્યારે એક કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય અને આપના નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કર્યો હતો. જામનગરના ટાઉન હોલ ખાતે આપની જનસભા ચાલી રહી હતી. આ સભામાં ગુજરાત AAP પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી સહિતના અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન, છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કર્યો હતો. જૂતું ફેંકાતા જ સભામાં હાજર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ પર તૂટી પડ્યા હતા અને તેમને ઢોર માર માર્યો હતો.
કાર્યકરોની મારામારીમાં મામલો ગંભીર બન્યો હતો. 15થી 20 મિનીટ સુધી ચાલેલા હોબાળા બાદ પોલીસે માંડ વચ્ચે પડીને છત્રપાલસિંહ જાડેજાને આપના કાર્યકરોના ટોળામાંથી છોડાવ્યા હતા. તેમને પોલીસ જીપમાં બેસાડીને સારવાર માટે જી.જી હોસ્પિટલે લઈ જવામાં આવ્યાં હતા.
નોંધનીય છે કે ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. આજના બનાવને તે ઘટનાના પુનરાવર્તન તરીકે જોવામાં આવી રહ્યો છે.