(Photo: AFP)
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે વધુ એક દેશના વડા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. ઝેલેન્સ્કી બાદ ટ્રમ્પ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે દક્ષિણ આફ્રિકામાં ગોરા ખેડૂતોનો નરસંહાર થઈ રહ્યો છે. ઓવલ ઓફિસમાં થયેલી બેઠક દરમિયાન ટ્રમ્પે પુરાવા તરીકે એક વીડિયો બતાવ્યો અને દાવો કર્યો કે દક્ષિણ આફ્રિકામાં મોટા પાયે ગોરા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ કારણે ખેડૂતો અમેરિકા તરફ દોડી રહ્યા છે. રામાફોસાએ કડક પગલાં લેવા જોઈએ.
જોકે, રામાફોસાએ દાવાઓને નકારી કાઢતા કહ્યું કે, નરસંહારના આરોપો ખોટા છે. તેમણે યુએસ રાષ્ટ્રપતિને કહ્યું- દક્ષિણ આફ્રિકામાં બધી જાતિના લોકો હિંસક ગુનાઓથી પીડાઈ રહ્યા છે. તેમાંના મોટાભાગના કાળા છે. ત્યાં ફક્ત ગોરા લોકો પર જ અત્યાચાર ગુજારવામાં નથી આવી રહ્યો.
રામાફોસાએ કતાર સરકાર તરફથી ટ્રમ્પને ભેટમાં મળેલા વિમાન પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું- અમારી સરકાર દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, મને દુખ છે કે મારી પાસે તમને આપવા માટે વિમાન નથી, જેનો ટ્રમ્પે એ જ રીતે જવાબ આપ્યો, કાશ તમારી પાસે હોત. નોંધનિય છે કે હાલમાં જ ટ્રમ્પને કતાર તરફથી કરોડો ડોલરનું અત્ય આધુનિક વિમાન ભેટમાં મળ્યું છે.