- લોનાવલાના ભૂશી ડેમમાં પૂર આવતા પરિવાર તણાયો
- ડૂબી જવાથી એક મહિલા અને બે બાળકીનાં મોત થયા
- બે બાળકો ગુમ છે, શોધખોળ ચાલુ
નવી દિલ્હીઃ પૂણેના લોનાવલામાં રવિવારે એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં આખો પરિવાર પાણીમાં તણાઈ ગયો હતો. આ અકસ્માતમાં 36 વર્ષીય મહિલા અને 13 વર્ષ અને 8 વર્ષની બે બાળકીઓનાં મોત થયા છે. ભૂશી ડેમ નજીક નદીમાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યાં હતા. ઉપરાંત પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયેલા બે બાળકોની શોધખોળ ચાલુ છે.
અકસ્માતનો ભયાનક વીડિયો સામે આવ્યો
આ અકસ્માતનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પરિવાર પાણીના વહેણથી ઘેરાયેલો જોઈ શકાય છે. ત્યાં હાજર લોકો તેમની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
વીડિયોમાં જોવા મળે છે કે લોકો તેમને દોરડું ફેંકીને બચાવવાનો પ્રયાસ કરે છે, તો કોઈ તેમને એક સાથે બાંધી રાખવાની સલાહ આપે છે. થોડી જ વારમાં તેઓ જોરદાર પ્રવાહમાં આખો પરિવાર તણાઇ ગયો હતો.
દોરડું ફેંકીને બચાવવાનો પ્રયાસ કર્યો
સ્થાનિક પોલીસે જણાવ્યું કે અંસારી પરિવાર ભૂશી ડેમ પાસેનો ધોધ જોવા આવ્યો હતો. દરમિયાન અચાનક પૂર આવ્યું અને તેઓ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા. ત્યાં હાજર લોકોએ તેમને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે નિષ્ફળ રહી હતી.
અકસ્માત બાદ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતા
થોડા સમય બાદ એક પછી એક પરિવારના સભ્યો પાણીમાં તણાઈ ગયા હતા. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યાં અનુસાર દુર્ઘટનામાંથી 36 વર્ષની મહિલા, 13 વર્ષની અને 8 વર્ષની બાળકીના મૃતદેહ મળી આવ્યાં છે. આ સિવાય 9 વર્ષના અને ચાર વર્ષના બાળકની શોધ ચાલી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526