મુખ્યમંત્રીનો ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો માટે મોટો નિર્ણય, 25 લાખ લોકોને ફાયદો થશે- Gujarat Post

10:19 AM Jul 21, 2025 | gujaratpost

સ્વામિત્વ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે

 રૂ. 200 ફી ચૂકવવી નહીં પડે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકો ઉપર સનદ લેવા માટે જે નાણાંકીય ભારણ પડતું હતું તે દૂર કરવાના અભિગમથી એક નિર્ણય કર્યો છે. ભારત સરકારના પંચાયતી રાજ, વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી આ સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી.

આ સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઈઝ્ડ ટેકનોલોજી ઇન વિલેજ એરીયા(સ્વામિત્વ) અન્વયે ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોના આબાદી એરિયાની મિલકતોનો ડ્રોન સર્વે કરીને ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવામાં આવે છે. આવા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ મિલકત ધારકોને વિના મૂલ્ય આપવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમીન મહેસૂલ અધિનિયમ 1879ની જોગવાઈ મુજબ મિલકત ધારક પાસેથી રૂ. 200ની સર્વે ફી લઈને આપવામાં આવતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે. તેમના આ નિર્ણયને પરિણામે હવે રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડની નકલ ઉપરાંત તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી સનદ વિના મૂલ્યે મળશે.

રાજ્યમાં આવી અંદાજે 25 લાખ ગ્રામીણ મિલકતોની સનદ વિતરણ માટે અંદાજે 50 કરોડ રૂપિયાનું ભારણ રાજ્ય સરકાર લેશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના નાના, ગરીબ અને મધ્યમ વર્ગીય મિલકત ધારકોને સનદ મેળવવા માટે રૂ. 200ની ફીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

સ્વામિત્વ યોજનાનો હેતુ ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામ્ય વિસ્તારના આબાદી એરીયાની મિલક્તોના ડ્રોન સર્વે કરી ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવાનો છે. આ પ્રોપર્ટી કાર્ડ દ્વારા ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતો પર કાયદેસર અધિકાર મળે છે, અને તેઓને નાણાંકીય રીતે સશક્ત બનાવે છે. પ્રોપર્ટીકાર્ડ થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ જોવા મળશે, ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ તૈયાર થશે, કરની ચોક્કસ વસૂલાત થશે અને મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++