સુરતઃ તાપી જિલ્લાના ઉકાઈ ખાતે મત્સ્યોદ્યોગ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો એસીબીએ પર્દાફાશ કર્યો છે. સબસિડી પાસ કરવાના બદલામાં લાંચ માંગનાર મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષકને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યાં છે.
એસીબીને લાંબા સમયથી માહિતી મળી રહી હતી કે ઉકાઈ સ્થિત મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ લાભાર્થીઓને બાઈક અને ઇન્સ્યુલેટેડ બોક્સ ખરીદવા માટે જે સબસિડી આપવામાં આવે છે, તેના અવેજમાં અધિકારીઓ દ્વારા 5000 થી 8000 રૂપિયા સુધીની લાંચની માંગણી કરવામાં આવે છે. આ ચોક્કસ માહિતીને આધારે એસીબીએ એક જાગૃત નાગરિકનો સહકાર મેળવી ટ્રેપનું આયોજન કર્યું હતું.
આરોપી તેજસ રમેશભાઈ ચૌધરી (મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક, વર્ગ-3) એ લાભાર્થી પાસેથી સબસિડીના ડોક્યુમેન્ટ સબમિટ કરવાની કાર્યવાહીના બદલામાં રૂપિયા 6000ની લાંચની માંગણી કરી હતી. તેઓ ઉકાઈમાં આવેલી તેમની ઓફિસમાં જ્યારે તેઓ લાંચની રકમ સ્વીકારી રહ્યાં હતા, ત્યારે એસીબીની ટીમે તેમને રંગેહાથ પકડી પાડ્યાં હતા.
આ સમગ્ર કામગીરી સુરત એસીબીના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ અને વડોદરા એસીબીના નાયબ નિયામક બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
ગઈકાલે ગાંધીનગરમાં સિનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર 80 હજારની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી હતી. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યું કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને દબોચી લીધા હતા.