ગુજરાતમાં હવે નકલી ઇડીના અધિકારીઓ, કચ્છમાં લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવી

11:23 AM Dec 06, 2024 | gujaratpost

કચ્છઃ વર્ષ 2013 માં અભિનેતા અક્ષય કુમાર અને મનોજ બાજપેયી અભિનીત એક ફિલ્મ સ્પેશિયલ 26 નામથી રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આ ગેંગ નકલી સીબીઆઈ ઓફિસર બનીને વેપારીઓના ઘરે દરોડા પાડીને લૂંટ ચલાવતા હતા. આવું જ કંઈક ગુજરાતના કચ્છમાં બન્યું છે. ગુજરાતમાં નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ, નકલી ન્યાયાધીશ પછી નકલી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના અધિકારીઓ તરીકે ઠગોએ એક વેપારીને લૂંટી લીધો હતો. પરંતુ આ વખતે તેઓ પકડાઈ ગયા છે.

પોલીસે 12 શખ્સોની ધરપકડ કરી હતી

પોલીસે નકલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ તરીકે પૂર્વ કચ્છના વિસ્તારમાં દરોડા પાડનાર 12 ઠગોની ગેંગની ધરપકડ કરી છે. આ ટોળકી નકલી ED ઓફિસર તરીકે ઓળખાવીને ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ અને તેમના ઘરે પહોંચી હતી અને 25 લાખ 25 હજારની કિંમતનું સોનું, ચાંદી અને રોકડની લૂંટ કરીને ફરાર થઈ ગઈ હતી.

આ ઘટના બાદ રાધિકા જ્વેલર્સના માલિકે ગાંધીધામ (ડિવિઝન એ) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદના આધારે પૂર્વ કચ્છના ઇન્સ્પેક્ટર સાગર બાગમારની આગેવાની હેઠળ એલસીબી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની 10 ટીમો તપાસમાં તૈનાત કરવામાં આવી હતી. પોલીસે અમદાવાદ, ભૂજ અને ગાંધીધામમાં દરોડા પાડીને 12 આરોપીઓની ધરપકડ કરી છે.

ટ્રાન્સલેટર માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું

પોલીસના જણાવ્યાં અનુસાર આ ગેંગનો માસ્ટર માઈન્ડ શૈલેન્દ્ર દેસાઈ છે, જે ડીઆરઆઈ ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે. તેણે ઈડીના અધિકારી તરીકે ઓળખ આપીને દરોડાની યોજના બનાવી હતી. આ પ્લાનને અંજામ આપવા ભરત મોદવાડિયા અને દેવાયત ખાચરની સાથે અન્ય લોકો પણ હતા. 6 આરોપી સ્થાનિક હતા, જેમને અહીંની જાણકારી હતી.

એક ભૂલ જેલ તરફ દોરી ગઈ

આ ટોળકીમાં એક મહિલા પણ સામેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે. પોલીસ નકલી દરોડા દરમિયાન ઉપયોગમાં લેવાતા વાહનો દ્વારા જ આરોપીઓ સુધી પહોંચી હતી. આ ગેંગે પહેલા પણ આવી રીતે લોકોને લૂંટ્યાં હોવાની ચર્ચાઓ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++