- કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારી છે
- એક તરફ કેજરીવાલની મુલાકાત, બીજી તરફ હર્ષ સંઘવી દિલ્હી પહોંચ્યાં
- 10 દિવસમાં સંઘવી બીજી વાર દિલ્હી પહોંચતા અનેક તર્ક વિતર્ક
વડોદરાઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચીને ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત કરી છે. હાઈકોર્ટમાં ચૈતર વસાવાની અરજીની સુનાવણી નજીક છે ત્યારે 'આપ'ના ટોચના નેતાઓની આ ઓચિંતી મુલાકાતે રાજ્યના રાજકીય સમીકરણોમાં ભારે ચર્ચા જગાવી છે.
વનકર્મી સાથે મારામારી અને ફાયરિંગના કેસમાં નર્મદા કોર્ટે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારી છે, જેના કારણે તેઓ હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. નીચલી કોર્ટના ચુકાદા સામે સ્ટે મેળવવા તેમજ નિયમિત જામીન પર મુક્ત થવા માટે ચૈતર વસાવા વતી ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
એક તરફ જેલમાં આ મુલાકાત થઈ રહી હતી, ત્યારે બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અચાનક દિલ્હી પહોંચ્યાં હતા. છેલ્લા 10 દિવસમાં તેમનો આ બીજો દિલ્હી પ્રવાસ છે, જે કોમનવેલ્થ ગેમ્સ અને ભાજપના આંતરિક રાજકીય સમીકરણોની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.