+

સતીષ પુનિયા અને પ્રભારી તરુણ ચૂગનો ગુજરાત પ્રવાસ: કમલમ ખાતે સંગઠનાત્મક બેઠકોનો ધમધમાટ શરૂ

30 ઓગસ્ટે સતીષ પુનિયા રાજસ્થાની સમાજ સાથે સંવાદ કરશે 2 સપ્ટેમ્બરે પ્રભારી તરુણ ચૂગનો પ્રથમ સત્તાવાર પ્રવાસ ગાંધીનગરઃ ગુજરાત ભાજપ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે આગામી દિવસોમાં ભાજપના બે ટોચના
  • 30 ઓગસ્ટે સતીષ પુનિયા રાજસ્થાની સમાજ સાથે સંવાદ કરશે
  • 2 સપ્ટેમ્બરે પ્રભારી તરુણ ચૂગનો પ્રથમ સત્તાવાર પ્રવાસ

ગાંધીનગરઃ ગુજરાત ભાજપ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે આગામી દિવસોમાં ભાજપના બે ટોચના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રીય નેતા સતીષ પુનિયા 30 ઓગસ્ટે અને ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રભારી તથા રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગ 2 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે, જેને પગલે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

30 ઓગસ્ટે સતીષ પુનિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમના વિશેષ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતમાં વસતા રાજસ્થાની સમાજના અંદાજે 1000 જેટલા અગ્રણીઓ અને નાગરિકો જોડાશે. 
કાર્યક્રમ દરમિયાન પુનિયા રાજસ્થાની સમાજ સાથે સીધો સંવાદ સાધી વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરશે.

ગુજરાત ભાજપના પ્રભારી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તરુણ ચૂગનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ હોવાથી તેનું વિશેષ રાજકીય અને સંગઠનાત્મક મહત્વ છે.  કમલમ ખાતે પ્રદેશ કક્ષાના સંગઠનાત્મક હોદ્દેદારો અને ક્ષેત્રીય નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં રાજ્યભરમાં સંગઠનની સ્થિતિ, કાર્યકરોની કામગીરી અને આગામી કાર્યક્રમો સહિત ચૂંટણીલક્ષી રણનીતિ પર મંથન થશે.

તરુણ ચૂગ રાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય સંકલન બેઠક યોજશે. સરકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચાડવામાં સંગઠનની ભૂમિકા તથા સરકાર-સંગઠન વચ્ચે ઉત્તમ તાલમેલ સ્થાપવા અંગે માર્ગદર્શન આપશે.

આ પ્રવાસ દરમિયાન તેઓ પક્ષના વિવિધ સ્તરના કાર્યકરો સાથે સીધો પરિચય કેળવશે અને સંગઠનને વધુ ગતિશીલ બનાવવા માટે આગામી કાર્યયોજનાની દિશા નક્કી કરશે. 

facebook twitter