ગુજરાત ભાજપનું સુકાન કોને સોપવું તે મુદ્દે હાઇકમાન્ડે ફરી ચર્ચા શરૂ કરી
કોંગ્રેસ હાઇકમાન્ડે પણ દિલ્હીમાં પ્રભારીઓ સાથે બેઠકો શરૂ કરી
થોડા દિવસમાં બંને પક્ષોના સંગઠનમાં થઈ શકે છે બદલાવ
અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હાલ યુદ્ધવિરામને પગલે શાંત પડી ગયો છે અને ગુજરાતમાં ફરી એકવાર રાજકીય ગતિવિધીઓ તેજ બની છે. કમલમ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ કાર્યકરોની અવરજવર વધી છે. એકાદ અઠવાડિયામાં જ ભાજપમાં પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તેવી શક્યતા છે. બીજી તરફ, ગુજરાતમાં શહેર-જીલ્લા પ્રમુખો નિમવા દિલ્હીમાં પ્રભારીઓ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આમ, ભાજપ-કોંગ્રેસ સંગઠન માટે સક્રિય બન્યાં છે.
ગુજરાત ભાજપને ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખ મળે તે માટે રાજકીય કવાયત શરૂ થઇ હોવાની ચર્ચા શરૂ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતાં જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંક પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી હતી. હવે જ્યારે પરિસ્થિતી થાળે પડી છે ત્યારે ગુજરાતમાં ફરી રાજકારણ ગરમાયુ છે કેમ કે, ગુજરાત ભાજપનું સુકાન કોને સોપવું તે મુદ્દે હાઇકમાન્ડે ફરી ચર્ચા શરૂ કરી છે. હવે ગમે તે ઘડીએ નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
આ તરફ, કોંગ્રેસ હાઇકમાન્ડે પણ દિલ્હીમાં AICCના પ્રભારીઓ સાથે બેઠકો શરૂ કરી છે. શહેર-જીલ્લાના પ્રવાસ પછી અભિપ્રાય લેવામાં આવી રહ્યાં છે. કોને શહેર-જીલ્લા પ્રમુખ બનાવવા તે માટે મત લેવામાં આવી રહ્યો છે. આ જોતાં આગામી ટૂંક જ સમયમાં કોંગ્રેસ શહેર-જીલ્લા પ્રમુખોના નામોની જાહેરાત તેવા અણસાર મળ્યાં છે.