+

અમે હરીફ નહીં પણ ભાગીદાર છીએ: ભારત સાથેના સંબંધો પર ચીનના બદલાયા સૂર, વાંગ યીનું મોટું નિવેદન

બેઇજિંગ: ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રવિવારે ભારત અને ચીન વચ્ચેના સંબંધો પર હકારાત્મક વલણ અપનાવતા જણાવ્યું કે, બંને દેશોએ એકબીજાને હરીફ માનવાને બદલે ભાગીદાર તરીકે જોવા જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યુ

બેઇજિંગ: ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રવિવારે ભારત અને ચીન વચ્ચેના સંબંધો પર હકારાત્મક વલણ અપનાવતા જણાવ્યું કે, બંને દેશોએ એકબીજાને હરીફ માનવાને બદલે ભાગીદાર તરીકે જોવા જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, બંને રાષ્ટ્રોએ એકબીજાને જોખમ ગણવાને બદલે પરસ્પર તક તરીકે સમજવાની જરૂર છે.

ચીની સંસદ 'નેશનલ પીપલ્સ કોંગ્રેસ' (NPC) ના વાર્ષિક સત્ર દરમિયાન પત્રકાર પરિષદને સંબોધતા વાંગ યીએ જણાવ્યું કે, બંને દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા નક્કી કરાયેલા દિશાનિર્દેશો મુજબ આગળ વધવું જોઈએ.

આ વર્ષે ભારત BRICS સમિટની યજમાની કરશે, જ્યારે 2027માં ચીન યજમાન બનશે. બંને દેશોએ આ આયોજનોમાં એકબીજાને સમર્થન આપવું જોઈએ.  2024માં રશિયાના કઝાનમાં થયેલી બેઠકથી સંબંધોમાં નવી શરૂઆત થઈ હતી, ત્યારબાદ તિયાનજિનની વાતચીતે સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. વાંગ યીએ કહ્યું કે તાજેતરના સમયમાં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંવાદ અને વેપારમાં તેજી આવી છે. દ્વિપક્ષીય વેપારે નવા રેકોર્ડ બનાવ્યા છે, જેનો સીધો લાભ બંને દેશોની જનતાને મળ્યો છે.

ભવિષ્યની દિશા અંગે બોલતા તેમણે કહ્યું કે, ભારત અને ચીન પાડોશી દેશો હોવાથી મિત્રતા જાળવી રાખવી જોઈએ અને સરહદી વિસ્તારોમાં શાંતિ તથા સ્થિરતા સુનિશ્ચિત કરવી જોઈએ. બંને દેશો 'ગ્લોબલ સાઉથ'ના મહત્વના સ્તંભ છે. આપણો પરસ્પર વિશ્વાસ એશિયાના વિકાસને ગતિ આપી શકે છે, જ્યારે સંઘર્ષ એશિયા માટે નુકસાનકારક સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ લદ્દાખમાં સૈન્ય તણાવને કારણે છેલ્લા પાંચ વર્ષથી ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ હતી. જો કે, 2024માં કઝાનમાં મોદી-જિનપિંગની મુલાકાત બાદ સ્થિતિ સામાન્ય થવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. ત્યાર બાદ વિઝા અને ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવા જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનાથી સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે.

facebook twitter