બનાસકાંઠાઃ રાજ્યમાં નકલી દારુ અને નકલી વિઝા બાદ હવે ડુપ્લીકેટ ચલણી નોટો બનાવવાનું મોટું રેકેટ ઝડપાયું છે. બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ ડીસા તાલુકાના મહાદેવીયા ગામમાં દરોડા પાડીને નકલી નોટો બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસને મળેલી બાતમીને આધારે આ દરોડા પાડવામાં આવ્યાં હતા. દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી બે આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસને ત્યાંથી અંદાજે 40 લાખ રૂપિયાથી વધુની ડુપ્લીકેટ નોટો અને નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો જપ્ત કર્યાં છે.
પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન રેકેટમાં સંડોવાયેલા લોકોની વિગતો સામે આવી શકે છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથા સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.