જૂનાગઢઃ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધીમે ધીમે પ્રજાના કામોમાં સફળ રહી રહ્યાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગીરના જંગલ વિસ્તારમાં ઇકો-સેન્સિટિવ ઝોન (ઇકો-ઝોન) નાબૂદ કરવા મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, જેની સરકારે નોંધ લીધી છે.
વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારે આ રજૂઆતનો લેખિતમાં જવાબ આપ્યો છે.આ જવાબમાં જણાવ્યું છે કે ગોપાલ ઇટાલિયાએ આસામ સરકારના કાયદાકીય રેફરન્સ અને અન્ય રાજ્યોના ઇકો-ઝોનની વાસ્તવિકતા સાથે જે રજૂઆત કરી હતી, તેની સરકાર દ્વારા નીતિ વિષયક નોંધ લેવામાં આવી છે. આ પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું કે આ રજૂઆત અંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા વિસ્તૃત જવાબ આપવામાં આવ્યો છે.
આમ, ગોપાલ ઇટાલિયાની રજૂઆતને કારણે ગીરના ઇકો-ઝોનનો મુદ્દો હવે સરકાર સ્તરે ચર્ચામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું કે, ભાજપના ધારાસભ્યો આ મુદ્દે નિવેદનો આપી રહ્યાં છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ નક્કર પુરાવાઓ સાથે રજૂઆત કરી અને તેનું પરિણામ જોવા મળી રહ્યું છે. આ દર્શાવે છે કે આમ આદમી પાર્ટીના શિક્ષિત અને લડાયક નેતાઓ લોકોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ શકે છે.
