વેરાવળ: રાજ્યમાં ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ડિજિટલ અરેસ્ટના કૌભાંડનો ભોગ બનેલી એક બિલ્ડરની પત્નીએ 30 ઓગસ્ટ, 2025ના રોજ આપઘાત કરી લીધો હતો. આ મહિલા પાસેથી QR કોડ દ્વારા કુલ રૂ. 1.15 લાખ પડાવી લેવામાં આવ્યાં હતા, અને વધુ પૈસાની માંગણી સાથે સતત ધમકીઓ મળતી હતી, જેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું.
પોલીસે આ મામલે બે ફોન નંબર ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જેમાં એક નંબર પાકિસ્તાનનો છે.પોલીસે જણાવ્યું કે, વેરાવળના બિલ્ડર અશોકભાઈ ચોલેરાએ ફરિયાદ નોંધાવી કે તેમની પત્ની પૂજાબેનના મોબાઈલ પર પાકિસ્તાનના એક નંબર અને ભારતના એક નંબર પરથી વોટ્સએપ કોલ આવતા હતા.
આરોપીઓએ પાર્સલ મોકલવાના બહાને પૂજાબેનને ઇન્કમટેક્સ અને પોલીસના નામે ડરાવ્યાં હતા, જો પૈસા નહીં આપે તો આખા પરિવારને ફસાવી દેવાની ધમકી આપી હતી. આ માનસિક ત્રાસને કારણે પૂજાબેન ખૂબ તણાવમાં હતા. આરોપીઓએ અલગ-અલગ સમયે QR કોડ દ્વારા પૂજાબેન પાસેથી રૂ. 1.15 લાખ ટ્રાન્સફર કરાવ્યાં હતા.
આટલા પૈસા લીધા પછી પણ આરોપીઓએ વધુ પૈસાની માંગણી ચાલુ રાખી હતી. આ સતત હેરાનગતિથી કંટાળીને પૂજાબેને ઘરે અનાજમાં રાખવાની સેલ્ફોસની ગોળીઓ ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/