મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો
વડોદરાઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી કરતી એક ગેંગનો ત્રાસ વધી ગયો હતો. આ ગેંગના લોકો ચડ્ડી-બનિયાન પહેરીને ચોરી કરતા હતા. પોલીસે આ ગેંગના ૩ સભ્યોને વડોદરાના સુસેન સર્કલ પાસેથી પકડ્યાં છે. આ લોકો મધ્યપ્રદેશના છે. આ ગેંગના સભ્યોએ તેમના શરીર પર ચામાચીડિયાનું ટેટુ કોતરાવ્યું હતું. આ ટેટુ તેમની ગેંગની ઓળખ હતું. જેથી તેમને ચામચીડિયા ગેંગ નામ આપવામાં આવ્યું હતું. પકડાયેલા ત્રણેય આરોપીઓને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યાં છે.
મોડસ ઓપરેન્ડી
આ ગેંગના લોકો દિવસના સમયે ફુગ્ગા વેચવાનો ડોળ કરીને ચોરી કરવા માટે રેકી કરતા હતા. રાત્રે ચડ્ડી-બનિયાન પહેરીને બંધ મકાનોમાં ચોરી કરતા હતા.ચોરી કર્યા પછી, ગેંગના સભ્યો અલગ-અલગ ભાગમાં વહેંચાઈ જતા હતા. પોલીસ તેમને પકડી ન શકે તે માટે તેઓ આવું કરતા હતા. પોલીસે હાલ આ ગેંગના અન્ય 4 ફરાર સભ્યોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ કેસની વધુ તપાસ માટે એક પોલીસ ટીમ મધ્યપ્રદેશ પણ જશે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરવા માટેના સાધનો પણ જપ્ત કર્યા હતા.
આ ગેંગના સભ્યો વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન ઉપર ઉતરતા હતા, ત્યાંથી રેલવે ટ્રેક પર ચાલતા ચાલતા 12 કિમી દૂર માંજલપુર ગામ પાસે આવતા હતા. ત્યાં ફુગ્ગા વેચવાના બહાને કે લારી ચલાવવાના બહાને રેકી કરતા અને બંધ મકાનમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્લાન બનાવતા હતા. અલગ અલગ ટીમો બનાવીને ચડ્ડી બનિયાન પહેરીને ચોરી કરવા માટે સોસાયટીમાં ઘૂસી જતા હતા. ચોરી થયા પછી આ ટોળકી અલગ અલગ વિસ્તારમાં વહેંચાઈ જતી હતી. એક ટીમ ચોરી કરવાના સાધનો લઈને, બીજી ટીમ મુદ્દામાલ લઇને અને ત્રીજી ટીમ અલગ દિશામાં ભાગી જતી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/