અમદાવાદઃ રખિયાલ વિસ્તારમાં સોમવારની રાત્રે કાર ચાલકને અચાનક ખેંચ આવતાં અનેક લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને 6 લોકો ઇજાગ્રસ્ત છે.
રખિયાલ વિસ્તારમાં આવેલા અજિત મિલ બ્રિજ નજીક સોમવારની રાત્રે આ અકસ્માત થયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને થોડા જ સમયમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.
ઓઢવ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મયંકકુમાર દીપકભાઈ પટેલ પોતાની સફેદ રંગની ટાટા હેરિયર કારમાં પરિવાર સાથે મુસાફરી કરી રહ્યાં હતા. કારમાં તેમની પત્ની ડિમ્પલબેન અને દીકરો હાજર હતા. રાત્રે અજિત મિલ બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે મયંકકુમારને અચાનક ખેંચ આવતાં સ્ટિંયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં એક એક્ટિવા સવાર યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આખી ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યાં હતા. પોલીસ વિભાગે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.