કતારઃ રાસ લાફાન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સંકુલમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ભારતીય નાગરિકો સહિત 13 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 12 ભારતીયો હતા. આ ઘટનામાં 66 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે સુવિધા કેન્દ્રને શરૂ કરવાની કામગીરી ચાલી રહી હતી.
આ વર્ષની શરૂઆતમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. જાનહાનિની પુષ્ટિ કરતા કતારના ઉર્જામંત્રી સાદ અલ-કાબીએ દુર્ઘટના મામલે કહ્યું કે પીડિતોમાં ભારતીય અને પાકિસ્તાની મૂળના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
12 ભારતીય અને 1 પાકિસ્તાની નાગરિકોના મોત થયા છે. વિસ્ફોટમાં 66 લોકો ઘાયલ થયા હતા. આ ઉર્જા સુવિધા કેન્દ્રને શરૂ કરવાની કામગીરી કરી રહ્યાં હતા ત્યારે વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટ બાદ દોહામાં ભારતીય દૂતાવાસે ચિંતા વ્યક્ત કરી છે અને ભારતીય નાગરિકો અને તેમના પરિવારો માટે ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરી હતી. દૂતાવાસે જણાવ્યું કે તે રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં ગઈકાલે બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના અંગે ખૂબ જ ચિંતિત છે, ઘણા લોકો ઘાયલ થયા છે અને કેટલાક ગુમ છે.
અસરગ્રસ્ત ભારતીય નાગરિકો અને તેમના સંબંધીઓને મદદની ખાતરી આપવામાં આવી છે. આ પડકારજનક અને મુશ્કેલ સમયમાં ભારતીય દૂતાવાસ અને કતારમાં રહેતો ભારતીય સમૂદાય અને કતારની સરકાર પીડિત લોકો સાથે એકતામાં ઉભો છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરીએ છીએ અને ગુમ થયેલા લોકોની સલામતી માટે આશા અને પ્રાર્થના કરીએ છીએ. દૂતાવાસે મદદ માંગતા લોકોને તેમના ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા વિનંતી કરી છે.
રાસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં બર્ઝાન ગેસ સપ્લાય સુવિધામાં વિસ્ફોટ થયો હતો. કતાર એનર્જીના જણાવ્યાં અનુસાર, વિસ્તારમાં તણાવને કારણે મહિનાઓથી બંધ રહેલી સુવિધા કેન્દ્રને ફરીથી શરૂ કરવાના પ્રયાસો દરમિયાન વિસ્ફોટ થયો હતો.
કતારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં મોટી સંખ્યામાં જાનહાનિનો ખુલાસો થયો છે, જ્યારે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.