અમદાવાદઃ એસીબીએ ક્લાસ- 1 અધિકારી સામે મોટી કાર્યવાહી કરી છે, આણંદના તત્કાલિન નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ કે જેઓ વારંવાર વિવાદોમાં રહ્યાં છે, તેમની સામે અપ્રમાણસર મિલકત્ત અંગેનો ગુનો દાખલ કર્યો છે.
હાલ ફરજ મોકુફી હેઠળના ક્લાસ- 1 અધિકારી કેતકી વ્યાસ પાસેથી રૂ. 3,56,03,910 (અંકે ત્રણ કરોડ છપ્પન લાખ ત્રણ હજાર નવસો દસ રૂપિયા પુરા) 68.84 ટકાની અપ્રમાણસર મિલકત અંગેનો એસીબીએ ગુનો દાખલ કર્યો છે.
અગાઉ ખેડા જિલ્લાના તત્કાલિન ડીડીઓ અને આણંંદના તત્કાલિન કલેક્ટર ડી.એસ.ગઢવીના હનીટ્રેપ કેસમાં પણ આ મહિલા અધિકારીનું નામ ચર્ચામાં આવ્યું હતુ અને તેમની સામે લાંચની પણ અનેક ફરિયાદો હતી અને હવે એસીબીએ તેમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
લાંચ રૂશ્વવત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને-1988 (સુધારા અધિનિયમ- 2018) અંતર્ગત સરકારી અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે સત્તાનો દુરઉપયોગ કરીને પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર- જંગમ મિલકતોમાં રોકાણ કરવા અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ કેસ અંગે તથા સરકારના જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ- કર્મચારીઓની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલકતો (જેવી કે ખેતીની જમીનો, પ્લોટ, મકાનો, ઓફીસો, દુકાનો, વાહનો, બેન્ક લોકર,બેન્ક એકાઉન્ટ) તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવેલી હોય, તેવા ઇસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની તથા સરકારી અધિકારી- કર્મચારી (જાહેર સેવક) દ્વારા જાહેર જનતા પાસે જો કોઈ ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવે છે, તો તેવા સરકારી બાબુઓ વિરુદ્ધ તમે પણ એ.સી.બી કચેરીમાં ફરિયાદ કરી શકો છો.