અમદાવાદઃ ગુજરાત એટીએસએ આતંકવાદીઓની પૂછપરછ કરવા માટે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હૈદરાબાદની એટીએસની ટીમ અમદાવાદ આવી હતી.ત્રણમાંથી 2 આતંકીઓ યુપીના છે જ્યારે આતંકવાદી ડોક્ટર હૈદરાબાદનો છે. આતંકીઓ હથિયાર રાજસ્થાનથી લાવ્યાં હતા. પકડાયેલા ત્રણેય આતંકીઓનું કનેકશન અન્ય ત્રણેય રાજ્યો સાથે હોવાથી ત્યાંની એજન્સીઓ તપાસ માટે અમદાવાદ આવી છે.
પોલીસને તપાસમાં એવી પણ માહિતી જાણવા મળી છે કે અહેમદ મોહિયુદ્દીન સૈયદ દોઢ મહિનામાં બીજી વખત અમદાવાદ આવ્યો હતો. આ પહેલા પણ તે એક વખત અમદાવાદ આવ્યો હતો. અહીં આવીને હોટેલમાં રોકાતો હતો, ત્યાં બિઝનેસ ટૂર માટે આવ્યો હોવાનું કહેતો હતો. તેની પાસેથી રાઈઝીન નામનું અતિ શક્તિશાળી ઝેર બનાવવા માટેનું 4 લીટર કેસ્ટર ઓઈલ મળી આવ્યું હતુ.
ત્રણેય આતંકવાદીઓ ટેલિગ્રામ મારફતે અફઘાનિસ્તાનમાં રહેતા આઈએસકેપીના હેન્ડલર અબુ ખદીજાના સંપર્કમાં હતા. સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાનના કેટલાક લોકોના સંપર્કમાં હતા. પોલીસે ત્રણેયના સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટની તપાસ શરૂ કરી છે.
પોલીસને માહિતી મળી છે કે આઝાદ શેખ અને મોહંમદ ખાન અનેક વખત જમ્મુ કારમીર ગયા હતા. અહેમદ સૈયદ પણ જમ્મુ-કાશ્મીર જઈને આવ્યો હતો. આ ત્રણેયના કાશ્મીરના સંપર્કોની તપાસ શરૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અહેમદ રાઇઝિન બનાવવા માટેની યોજના સાથે ફંડ ઉઘરાવવા માટે ફરતો હતો. આ ફંડ આપનાર વ્યક્તિઓ કોણ હતા અને તેઓની પાસેથી શું કહીને ફંડ લીધું હતું તે અંગે તપાસ ચાલી રહી છે. તેલંગાણાના અહેમદની ધરપકડ બાદ ગુજરાત એટીએસે ઉત્તર પ્રદેશના આઝાદ સુલેમાન અને મોહમંદ સુલેહની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો લાવ્યા હતા. આ હથિયારો કોની પાસેથી લીધા હતા, તેની તપાસ શરૂ કરવામાં આવી છે.