+

પાકિસ્તાનના હવાઈ હુમલાથી કાબૂલ હચમચી ગયું, તાલિબાને કહ્યું - હોસ્પિટલ પર બોમ્બ ફેંકાયો, 400 લોકોનાં મોત

કાબૂલઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાને રાજધાની કાબૂલમાં એક હોસ્પિટલને હવાઈ હુમલો કરીને નિશાન બનાવી છે, જેમાં 400 લોકો માર્યા ગયા છે અને 250

કાબૂલઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાને રાજધાની કાબૂલમાં એક હોસ્પિટલને હવાઈ હુમલો કરીને નિશાન બનાવી છે, જેમાં 400 લોકો માર્યા ગયા છે અને 250 થી વધુ ઘાયલ થયા છે. જો કે, પાકિસ્તાને આ આરોપોને નકારી કાઢ્યાં છે.

અફઘાનિસ્તાનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા શરાફત ઝમાને જણાવ્યું કે કાબૂલમાં નશા મુક્તિ સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાતી એક હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.

કોઈ પણ નાગરિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા, મુશર્રફ ઝૈદીએ અફઘાનિસ્તાનના આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા. પાકિસ્તાનના માહિતી મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી હતી કે હુમલા ખૂબ જ સચોટ હતા અને ફક્ત લશ્કરી સ્થળો અને આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા, કોઈ નાગરિક વિસ્તારોને નહીં. 

બંને દેશો વચ્ચેનો આ તણાવ સરહદ પર પણ વધી રહ્યો છે. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરહદ નજીક તાજેતરમાં થયેલા ગોળીબારમાં બે બાળકો સહિત ચાર લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાન સતત અફઘાનિસ્તાનમાં સ્થિત વિવિધ આતંકવાદી જૂથો પર તેના દેશમાં હુમલા કરવાનો આરોપ લગાવતું આવ્યું છે. બીજી તરફ, તાલિબાન સરકારે સતત આ આરોપોને નકારી કાઢ્યા છે. 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનને આ ક્ષેત્રમાં સ્થિરતા જાળવવા માટે આતંકવાદ સામે કાર્યવાહી કરવા વિનંતી કરી છે. ફેબ્રુઆરીના અંતથી બંને દેશો વચ્ચે હુમલાઓ તીવ્ર બન્યા છે અને આ અથડામણો હવે ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગઈ છે.

ભૂતપૂર્વ અફઘાન સરકારમાં રાષ્ટ્રીય સમાધાન માટે ઉચ્ચ પરિષદના વડા રહેલા અબ્દુલ્લા અબ્દુલ્લાએ ગઈકાલે રાત્રે કાબુલમાં નશા મુક્તિ કેન્દ્ર પર પાકિસ્તાન સરકારના હુમલાની સખત નિંદા કરી છે. તેમણે આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 

રાશિદ ખાને કાબુલમાં  નશા મુક્તિ સેન્ટર પર પાકિસ્તાનના હવાઈ હુમલાની પણ કડક નિંદા કરી અને નાગરિકોના મોત પર ચિંતા વ્યક્ત કરી. રાશિદ ખાને કહ્યું કે રહેણાંક વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને નિશાન બનાવવી એ યુદ્ધ ગુનો છે. રમઝાનના પવિત્ર મહિનામાં લોકોના કિંમતી જીવનનો અનાદર કરવો એ હૃદયદ્રાવક છે. આવા ગુનાઓ લોકોમાં વિભાજન અને નફરતને વેગ આપે છે.

facebook twitter