(ફાઇલ ફોટો)
મુંબઈઃ મહારાષ્ટ્રના પરભણીમાં એક 19 વર્ષીય મહિલાએ ચાલતી સ્લીપર કોચ બસમાં બાળકને જન્મ આપ્યો હતો. તેણે અને તેનો પતિ હોવાનો દાવો કરનાર યુવકે નવજાત શિશુને બારીમાંથી બહાર ફેંકી દીધું. આના કારણે બાળકનું મૃત્યુ થયું હતું. સવારે લગભગ 6.30 વાગ્યે પાથરી-સેલુ રોડ પર એક યુવકે બસમાંથી કપડામાં લપેટાયેલી કોઈ વસ્તુ બહાર ફેંકવામાં આવી હોવાનું જોયું હતું. જે બાદ તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે બસને રોકાવી અને પૂછપરછ કરી હતી.
જેમાં સામે આવ્યું કે રિતિકા ઢેરે નામની મહિલા અલતાફ શેખ (જે તેનો પતિ હોવાનો દાવો કરી રહ્યો હતો) સાથે પુણેથી પરભણી જઈ રહી હતી. તેઓ સંત પ્રયાગ ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. યાત્રા દરમિયાન ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા થઈ અને તેણે એક દીકરાને જન્મ આપ્યો. આ પછી તેમણે નવજાત શિશુને કપડામાં લપેટીને ગાડીમાંથી બહાર ફેંકી દીધું હતું. સ્લીપર બસના ડ્રાઈવરે જ્યારે આ વિશે પૂછપરછ કરી તો શેખે જણાવ્યું કે તેની પત્નીને બસના પ્રવાસને કારણે ઉલટી થઈ હતી
આ દરમિયાન, જ્યારે રસ્તા પર એક જાગૃત નાગરિકે બસની બારીમાંથી બહાર ફેંકાયેલી વસ્તુ જોઈ, તો તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે તે એક બાળક હતું. તેણે તરત જ પોલીસની 112 હેલ્પલાઇન પર કોલ કરીને તેની જાણ કરી હતી.
અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક પોલીસની એક ટીમે બસને રોકીને મહિલા અને શેખને કસ્ટડીમાં લીધા હતા. બંનેએ બાળકનું પાલન-પોષણ કરવામાં અસમર્થ હોવાનું જણાવ્યું હતું. રસ્તા પર ફેંકવાના કારણે બાળકનું મૃત્યુ થયું હતું. બંને પરભણીના રહેવાસી હતા અને છેલ્લા દોઢ વર્ષથી પુણેમાં રહેતા હતા. તેમણે પતિ-પત્ની હોવાનો દાવો કર્યો, પરંતુ પોતાના દાવાના સમર્થનમાં કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા નહીં. કસ્ટડીમાં લીધા પછી પોલીસ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/