વોટ્સએપ ચેટ લીક થતાં મામલો સામે આવ્યો
પોલીસે અનેક જગ્યાએ કર્યાં દરોડા
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહી હત્યા કરવા કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે. પંજાબ પોલીસે દાવો કર્યો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને અકાલી નેતા અને પૂર્વ મંત્રી બિક્રમ સિંહ મજીઠિયાની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યાં અનુસાર, ખાલિસ્તાન સમર્થક નેતા અને ખદૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ પર લાદવામાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA)ને લંબાવવામાં આવ્યાં બાદ તેમના સમર્થકો દ્વારા આ કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું.
અકાલી દળ મોગા જૂથ નામે બનાવેલા વોટ્સએપ ગ્રુપ્સની ચેટ્સ લીક થઈ હતી, જેનાથી આ કાવતરું બહાર આવ્યું હતું. ચેટ્સ લીક થયા પછી, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 4 શખ્સો સહિત 30 જેટલા અજાણ્યા લોકો સામે FIR નોંધી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ બલ્કર સિંહ (ન્યુ મોડેલ ટાઉન) અને મોગાનો રહેવાસી સગીર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યાં અનુસાર, આ બધા આરોપીઓ ઉપરોક્ત વોટ્સએપ ગ્રુપ્સ સાથે સંકળાયેલા હતા.
ડીઆઈજી મોગા રેન્જ અશ્વની કપૂરે આ સંદર્ભમાં કહ્યું કે અમે કોઈપણ કિંમતે પંજાબની શાંતિને ખલેલ પહોંચાડવા દઈશું નહીં. તેમણે ખાતરી આપી કે આ ષડયંત્રમાં સામેલ બાકીના તમામ આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધ ચાલી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++