(રાજ્ય વેરા અધિકારી એમ.બી.મોદીનો ફોટો)
વેપારી મહામંડળે જીએસટી વિભાગના અધિકારીઓ સામે કરી છે ફરિયાદ
દરોડાની આડમાં વેપારીઓની થઇ રહી છે હેરાનગતિ
સ્ટોક અને અન્ય હિસાબોમાં ગોટાળા હોવાનું કહીને કરાય છે હેરાનગતિ
સાબરકાંઠાઃ છેલ્લા ઘણા સમયથી જીએસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે અનેક પ્રકારના આક્ષેપો થઇ રહ્યાં છે, થોડા દિવસો પહેલા જ વેપારી મહામંડળે ઉચ્ચ કક્ષાએ અધિકારીઓની હેરાનગતિની ફરિયાદ કરી હતી, જેમાં કલમ 67(1) અને 67(2) ની સ્પષ્ટતા વગરનું વોરંટ લઇને અધિકારીઓ વેપારીઓના ધંધાના સ્થળે ઘૂસી જાય છે અને તેમને ડરાવે છે, જીએસટીના અધિકારીઓ સીસીટીવી બંધ કરાવી નાખે છે અને વેપારીઓના ફોન પણ લઇ લે છે ત્યાર બાદ સ્ટોક અને અન્ય હિસાબોમાં ગોટાળા હોવાનું કહીને હેરાન કરવામાં આવે છે.
હવે વધુ એક જીએસટી વિભાગના અધિકારી સામે આક્ષેપો થયા
હિંમતનગર સ્ટેટ જીએસટી વિભાગ ઓફિસના રાજ્યવેરા અધિકારી મિતેશ.બી.મોદી પણ વિવાદમાં આવ્યાં છે, તેમને એક વીડિયોથી પોતે નિર્દોષ હોવાની સ્પષ્ટતા પણ કરી છે, પરંતુ તેમને આ વીડિયો કેમ બનાવવો પડ્યો તે વાત જાણવી જરૂરી છે, તેમને કેટલાક વેપારીઓને પોતાની ઓફિસમાં બોલાવીને હિસાબમાં ગોટાળા અને ટેક્સ ચોરીના આક્ષેપો મુકીને દમ માર્યો હતો, જેમાંથી એક વેપારીએ ભાજપના એક ઉચ્ચ કક્ષાના નેતાને ફરિયાદ કરી હોવાનું ચર્ચાય છે, ત્યાર બાદ આ મામલે સ્ટેટ જીએસટી કમિશનરની કચેરી, આશ્રમ રોડ અમદાવાદ સુધી પહોંચ્યો હતો, આ સ્થિતી પછી મિતેશ મોદીને પણ ખબર પડી ગઇ હશે કે તેમને ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે અને હવે તેમને વીડિયો બનાવીને સ્પષ્ટતા કરવી પડી છે.
અધિકારીની કામગીરીને લઇને ઉભા થઇ રહ્યાં છે આ સળગતા સવાલો
- જે વેપારીએ ફરિયાદ કરી છે તેમને કાયદાકીય રીતે જ ઓફિસમાં બોલાવવામાં આવ્યાં હતા કે કેમ ??
- વેપારીને ઓફિસ બોલાવ્યાં હતા, તેની શું આ ઓફિસના ઉચ્ચ અધિકારીને જાણ હતી કે નહીં ?
- વેપારીએ ખરેખર જીએસટીની ચોરી કરી છે કે પછી તેમને ધમકાવીને અન્ય કોઇ ઇરાદાથી કામ કરાયું છે ?
- વોરંટની કામગીરી કયા અધિકારીની સહીથી કરવામાં આવી હતી ? કે પછી તેમને માત્ર મૌખિક જાણ કરીને ઓફિસ બોલાવાયા હતા ?
- જો વેપારીએ કર ચોરી કરી છે તો તેમને ધમકાવવાની જગ્યાએ કેમ કાયદાકીય રીતે કાર્યવાહી કરીને વસૂલાત ન કરવામાં આવી ?
- જો વેપારી દોષિત છે તો તેમની સામે હવે ક્યારે કડક કાર્યવાહી કરાશે ? ક્યારે તેમની પાસેથી જીએસટી ટેક્સની વસૂલાત કરવામાં આવશે ?
સ્ટેટ જીએસટી કમિશનર ઓફિસે આ કેસની તપાસ કરાવવી જરૂરી છે
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વેપારીઓએ વેપાર કરવો મુશ્કેલ બની ગયું છે, અગાઉ પણ જીએસટી વિભાગના અધિકારીઓ સામે ખાતાકીય તપાસો થઇ છે અને લાંચ લેવાના આક્ષેપો પણ થયા છે, હવે હિંમતનગર સ્ટેટ જીએસટી ઓફિસમાં વેપારીઓને ધમકાવવામાં આવ્યાં હોવાની ઘટના સામે આવી છે, જેને લઇને ઉચ્ચ અધિકારીઓની કામગીરીને લઇને પણ સવાલો ઉભા થઇ રહ્યાં છે. આ મામલે અમદાવાદ વેરા ભવનમાં બેસતા ઉચ્ચ અધિકારીઓએ તટસ્થ તપાસ કરવી જરૂરી છે.