અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે ઘરેથી નીકળતા પહેલા વાંચી લો આ સમાચાર, આ રસ્તા સાંજથી જ થશે બંધ – Gujarat Post

12:04 PM Dec 31, 2024 | gujaratpost

(પ્રતિકાત્મક ફોટો)

અમદાવાદમાં ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, હોટેલો મળીને 35 થી વધુ જગ્યાઓએ ડાન્સ પાર્ટીનું આયોજન

અનેક ડાન્સ પાર્ટીમાં ડિનર સહિતના આયોજનો

31st December Celebration: વર્ષ 2024નો આજે અંતિમ દિવસ છે. આ દિવસને ગુડબાય કહેવા અને નવા વર્ષને વધાવવા અમદાવાદ સહિત દેશમાં અનેક જગ્યાએ સાંજ પડતાં જ યુવાધન ઉમટી પડશે. આજે 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત નવ હજાર જેટલો સ્ટાફ મંગળવારે સાજથી બંદોબસ્તમાં ગોઠવાશે. દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરની રાતથી પહેલી જાન્યુઆરી 2025ની રાત સુધી સિંધુભવન-CG રોડ પર વાહનોની અવર જવર બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સિંધુભવન રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધી બંને તરફનો માર્ગ 31મી ડિસેમ્બરના સાંજના 8 વાગ્યાથી પહેલી જાન્યુઆરી 2025ના રાત્રીના 3 વાગ્યા સુધી આ રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી છે.ઝાઝરમાન ચાર રસ્તાથી અશ્મેઘ બંગલો ચાર રસ્તા થઈ કાલીબારી મંદીર રોડ થઈ ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાયલાઈન તરફ વાહનો અવરજવર કરી શકશે.

ઝાઝરમાન ચાર રસ્તાથી બાગબાન ચાર રસ્તા થઈ આંબલી ઓવરબ્રિજ મધ્યભાગ થઈ શિલજ સર્કલ તરફ વાહનો અવર જવર કરી શક્શે. આ ઉપરાંત ખાસ જાણકારી એ પણ છે કે, આ જાહેરનામાથી સમગ્ર શહેરમાં સવારે 8થી રાત્રે 11 વાગ્યા સુધી મધ્યમ અને ભારે માલવાહક વાહનો તથા પેસેન્જર વાહનો રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં અવર જવર કરી શક્શે નહીં. જે પૈકી પેસેન્જર વાહનો સિવાયના તમામ વાહનો એસજી હાઈવે પર 31મીની રાત્રે 8થી 1ની રાત્રીના 3 વાગ્યા સુધી અવર જવર કરી શક્શે નહીં.

પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધી સર્વિસ રોડ પર 31મીએ 7 વાગ્યાથી 1લીના રાતના 3 વાગ્યા સુધી પાર્કિંગ પર પણ પ્રતિબંધ છે. નહેરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઈસ્કોન ચાર રસ્તા સુધી રોડ પર ખાનગી લક્ઝરી બસના પાર્કિંગ પર પણ આ સમય દરમિયાન પ્રતિંબધ રહેશે.
 
પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા પ્રમાણે સીજી રોડના સ્ટેડીયમ સર્કલથી પંચવટી સુધી 31મી ડિસેમ્બરે સાંજના 6 વાગ્યાથી પહેલી જાન્યુઆરી 2025ના રાત્રીના 3 વાગ્યા સુધી આ રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++