હૈદરાબાદઃ અદાણી ગ્રુપની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અમેરિકાએ લાંચકાંડમાં અદાણી સામે સમન્સ કાઢ્યાં બાદ કોંગ્રેસ મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. હવે તેલંગણાની કોંગ્રેસ સરકારે અદાણી ગ્રુપ દ્વારા ઓફર કરવામાં આવેલું 100 કરોડ રૂપિયાનું દાન પરત કરવાનો નિર્ણય કર્યો છે.
તેલંગણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ જણાવ્યું છે કે યંગ ઇન્ડિયા સ્કીલ યુનિવર્સિટી માટે અનેક કંપનીઓએ ફંડની ઓફર કરી હતી. અદાણી ગ્રુપે પણ 100 કરોડ રૂપિયા ઓફર કર્યાં હતા, જો કે હવે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે અદાણી ગ્રુપ તરફથી ઓફર કરવામાં આવેલા ફંડનો સ્વીકાર કરવામાં આવશે નહીં.
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગૌતમ અદાણીને બચાવવાના આરોપ મૂકતા જણાવ્યું હતું કે તેઓ દરરોજ આ મુદ્દાને ઉઠાવશે. આ સાથે જ રાહુલ ગાંધીએ જણાવ્યું કે અદાણીને દેશમાં મળેલા તમામ કોન્ટ્રાક્ટની તપાસ થવી જોઇએ. રાહુલ ગાંધીના કડક વલણ પછી તેલંગણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ અદાણી ગ્રુપ પાસેથી 100 કરોડ રૂપિયા નહીં લેવાનો નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે અદાણી જૂથને પત્ર લખી જાણ કરી દેવામાં આવી છે. તેલંગણા સરકારના ઔદ્યોગિક સંવર્ધન કમિશનરના વિશેષ મુખ્ય સચિવ જયેશ રંજને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો. પ્રીતિ અદાણીને આ સંદર્ભમાં એક પત્ર લખ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++