ટ્રકની જોરદાર ટક્કરથી એકનું ઘટના સ્થળે કરુણ મોત
સુરતઃ શહેરમાં પૂરપાટ ઝડપે દોડતા ભારે વાહનો માસૂમ અને નિર્દોષ વાહનચાલકો માટે કાળ સાબિત થઈ રહ્યાં છે. પવિત્ર અષાઢી બીજના તહેવારે જ સુરતમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. સાયણ અને હજીરાને જોડતા આઉટર રિંગ રોડ પર એક બેફામ દોડતા ટ્રક ચાલકે મોપેડ સવાર બે કોલેજિયન યુવતીઓને જોરદાર ટક્કર મારી હતી.
ભગવાન જગન્નાથના દર્શન કરીને પરત ફરતી આ બે બહેનપણીઓમાંથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તહેવારના દિવસે જ વ્હાલસોયી દીકરી ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી અને B.Com માં અભ્યાસ કરતી બે બહેનપણીઓ 18 વર્ષીય રિયા કુંભાણી અને 20 વર્ષીય ઉર્વિષા બાંભણિયા ગુરુવારે સવારે અમરોલી ખાતે આવેલી તેમની કોલેજે ગઈ હતી.
આજે અષાઢી બીજનો પવિત્ર તહેવાર હોવાથી બંને બહેનપણીઓ મોપેડ લઈને જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે નીકળી હતી. બંને યુવતીઓ પવિત્ર દિવસે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે તે પહેલા જ રસ્તામાં મોત ભેટશે તેવી કલ્પના પણ કોઈએ કરી ન હતી.
બંને વિદ્યાર્થીનીઓ સાયણ અને હજીરાને જોડતા આઉટર રિંગ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં એક પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકના ચાલકે તેમની મોપેડને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રિયા કુંભાણીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઈજાગ્રસ્ત યુવતીની હાલત નાજુક
અકસ્માતમાં ઉર્વિષા બાંભણિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં ઉર્વિષાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તેની સ્થિતિ વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી છે.