+

સુરતમાં સનસની..ભાણેજે મામાની ક્રૂર હત્યા કરી, લાશના ટુકડા કરીને ખાડીમાં ફેંકી દીધા- Gujarat Post

લાપતાની ખોટી ફરિયાદ નોંધાવ્યાં બાદ ભાંડો ફૂટ્યો  હથોડીથી હત્યા કર્યાં બાદ લાશના ટુકડા કરીને ફેંકી દીધા સુરત: ઉધના પોલીસ સ્ટેશનની હદમાં ધંધાકીય લેવડ-દેવડના વિવાદમાં એક સનસનાટીપૂર્ણ હત્યાનો મ

લાપતાની ખોટી ફરિયાદ નોંધાવ્યાં બાદ ભાંડો ફૂટ્યો 

હથોડીથી હત્યા કર્યાં બાદ લાશના ટુકડા કરીને ફેંકી દીધા

સુરત: ઉધના પોલીસ સ્ટેશનની હદમાં ધંધાકીય લેવડ-દેવડના વિવાદમાં એક સનસનાટીપૂર્ણ હત્યાનો મામલો સામે આવ્યો.  ભાણેજ મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલીએ પોતાના જ મામા મોહમ્મદ આમીર આલમની હત્યા કરી નાખી હતી. આ હત્યાને ગુનો છૂપાવવા માટે ભાણેજે મામા ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ઉધના પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં હત્યાનો ભાંડો ફૂટી ગયો હતો.

મૃતક મોહમ્મદ આમીર આલમ અને હત્યારો ભાણેજ મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલી, બંને મૂળ બિહારના કટિહારના રહેવાસી છે અને ઉધનામાં ભાડાના એક જ રૂમમાં સાથે રહેતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, બંને એક જ ધંધા સાથે સંકળાયેલા હતા. ભાણેજ આમીર પોતાનું અલગ કારખાનું શરૂ કરવા માગતો હતો અને આ માટે તે મામા પાસે ધંધામાં રોકાયેલા પોતાના પૈસાની માંગણી કરી રહ્યો હતો.

પૈસાની લેતી-દેતીને લઈને મામા-ભાણેજ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા. આમીર સતત પૈસાનું દબાણ કરી રહ્યો હતો, જ્યારે મામા ઇફ્તિકાર પાસે પૈસા ન હતા. આ વિવાદ એટલો વકર્યો કે આખરે ભાણેજે મામાના પૈસા પર પોતાનો કબ્જો જાળવી રાખવા માટે તેમનો કાયમ માટે કાંટો કાઢી નાખ્યો.

આરોપી ભાણેજ મોહમ્મદ ઇફ્તિકારે સોમવારની વહેલી સવારે હત્યાનો પોતાનો ક્રૂર પ્લાન પાર પાડ્યો હતો. ઉધના પોલીસના જણાવ્યાં મુજબ  શૈલેશ દેસાઈના નિવેદન મુજબ, જ્યારે મામા આમીર રૂમમાં ઊંઘી રહ્યાં હતા, ત્યારે ઇફ્તિકારે વજનદાર હથોડી વડે તેમના માથામાં ગંભીર ઘા મારીને તેમની હત્યા કરી નાખી હતી

હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આરોપીએ ઘરમાં રાખેલા ચાકુનો ઉપયોગ કરીને મૃતદેહના પાંચથી છ ટુકડા કરી નાખ્યા હતા. આ ટુકડાઓને બોરીમાં ભરીને હત્યાના બીજા દિવસે રાત્રે રિક્ષા મારફતે ભઠેનાની ખાડીમાં ફેંકી દીધા હતા.

હત્યાના બે દિવસ પછી, આરોપી ભાણેજ મોહમ્મદ ઇફ્તિકારે પોતે જ ઉધના પોલીસ સ્ટેશનમાં આવીને મામા આમીર લાપતા હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી.જો કે, પોલીસે ગુમ થયાની તપાસ શરૂ કરી ત્યારે આરોપી ભાણેજના વર્તન પર શંકા ગઈ હતી. પોલીસે જ્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, ત્યારે મામા અને ભાણેજ છેલ્લીવાર સ્કૂટી પર સાથે જતાં જોવા મળ્યાં હતા.

પોલીસે ઇફ્તિકારની પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં તે મનઘડંત સ્ટોરી પર અડગ રહ્યો, પરંતુ પોલીસે સખ્તાઈની શખત પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો અને આખરે તેણે પૈસાની લેવડ-દેવડના વિવાદમાં મામાની હત્યા કર્યાની અને લાશના ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધાની કબૂલાત કરી હતી.

પોલીસે મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ઉધના પોલીસે હત્યામાં વપરાયેલી હથોડી અને ચાકુ સહિતના પુરાવાઓ જપ્ત કર્યાં અને ફાયર વિભાગની મદદથી ખાડીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડાઓ શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

facebook twitter