સુરતઃ શહેરમાં ગુનાખોરીનો વધતા જતાં ગ્રાફ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. અહીં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા છે. પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે જે વકીલ પર પરિવારે ભરોસો મૂક્યો હતો, તે જ વકીલે 13 વર્ષની માસૂમ કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી. કેસ નબળો પાડી દેવાની ધમકી આપીને વકીલે સગીરા સાથે કુકર્મ આચર્યું અને તેનો વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી હતી. આ સમગ્ર મામલે પીડિતાના પિતાએ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ વકીલની ધરપકડ કરી હતી.
વર્ષ 2025માં ફરિયાદીની સગીર દીકરીનું બે આરોપીઓએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા બાદ, પીડિત કિશોરીના પિતાએ કોર્ટમાં પોતાનો પક્ષ મજબૂતાઈથી રાખવા માટે વકીલ પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીરને રોક્યા હતા.
12 જુલાઈ, 2026ના રોજ વકીલ પ્રણયરાજે કિશોરીના પિતાને ફોન કરી દીકરીને ઘરકામ માટે નોકરીએ રાખવાનું બહાનું બતાવ્યું હતું. પિતાએ ના પાડતા વકીલે ધમકી આપી હતી કે, કિશોરીને કામ પર નહીં મોકલો તો તમારી દીકરીનો જે જૂનો કેસ કોર્ટમાં ચાલે છે, તેમાં હું મોટું નુકસાન કરાવી નાખીશ અને કેસ બગાડી નાખીશ. આ દબાણમાં આવીને પિતાએ દીકરીને વકીલ સાથે મોકલી હતી.
વકીલ પ્રણયરાજ સગીરાને પોતાની ગાડીમાં બેસાડીને ડીંડોલી ખાતે આવેલી વેદાંતવિલા સોસાયટીના મકાન નંબર 42માં લઈ ગયો હતો. ત્યાં તેણે પોતાનું અસલી રાક્ષસી સ્વરૂપ ધારણ કરીને મારપીટ કરી, ડરાવી-ધમકાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, તેણે કુકર્મ આચરીને કિશોરીને બ્લેકમેલ કરવાના ઈરાદે પોતાના મોબાઈલમાં આખી ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો.
પકડાયેલો વકીલ પ્રણયરાજ રણવીર અગાઉથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં 6 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. તેની પત્નીએ પણ તેની સામે ઘરેલું હિંસાનો કેસ કરેલો છે અને બંને અલગ રહે છે.
ભયભીત કિશોરીએ રડતા-રડતા પિતાને બધી આપવીતી જણાવી હતી. આ સાંભળીને પિતા તાત્કાલિક સચિન GIDC પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને પોલીસ એક્શનમાં આવી હતી અને ગુનો નોંધી ગણતરીના કલાકોમાં વકીલને ઝડપી પાડ્યો હતો.