ચાય પાર્ટનર કેફેમાંથી કૂદીને કરી હતી આત્મહત્યા
સુરતઃ સરથાણા વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના બની હતી. સરથાણા જકાતનાકા પાસે આવેલા અતિથિ કોમર્શિયલ કોમ્પલેક્ષના 9મા માળેથી એક ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ફિઝિયોથેરાપી ડોક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક ગંભીર બાબત સામે આવી હતી. રિપોર્ટ અનુસાર ડોક્ટરે કૂદકો મારી મોતને વ્હાલુ કરતાં પહેલાં અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ (ફ્યુમિગન્ટ ટેબ્લેટ્સ) ખાધી હતી.
CCTV ફૂટેજમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે કે, ડોક્ટરે કાફેમાં આવ્યાં બાદ જ તેણે ટીકડીઓ ખાધી હતી. શુક્રવારે સાંજે 6:49 વાગ્યે કાફેમાં પ્રવેશ્યા બાદ માત્ર બે જ મિનિટમાં એટલે કે 6:51 વાગ્યે તે ટીકડીઓ ખાતા દેખાઈ હતી. ત્યાર બાદ બે ત્રણ મિનિટ પછી કોફી પીધી હતી અને 6:59 વાગ્યે તેણે કૂદકો મારી આપઘાત કર્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઝેરી ટીકડીઓ હોવાનું સામે આવતા સરથાણા પોલીસે હવે મૃતકના પરિવારજનો અને મંગેતરની પૂછપરછ શરૂ કરી છે. તેમજ તેના મોબાઈલ અને કાફેનું ડીવીઆર પણ કબ્જે કર્યું છે.
ડોક્ટરના આપઘાતના કેસમાં પોલીસ તપાસ દરમિયાન વ્હોટ્સએપ પર થયેલા મેસેજનું રહસ્ય બહાર આવ્યું છે. ડોક્ટરે તેના મંગેતરને વ્હોટ્સએપ પર મેસેજ કરી કહ્યું હતું કે, નાની-નાની બાબત વિશે પેરેન્ટ્સને ન કહેવાય..પોલીસે હવે આત્મહત્યા પાછળ તપાસ શરૂ કરી છે.