બગરામ એરબેઝ પરત કરો નહીંતર પરિણામ ભયંકર આવશે... ટ્રમ્પે અફઘાનિસ્તાનને આપી ખુલ્લી ધમકી

10:08 AM Sep 21, 2025 | gujaratpost

વોંશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેં પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા ખુલ્લેઆમ ધમકી આપી છે કે જો અફઘાનિસ્તાન બગરામ એરબેઝ યુનાઇટેડ સ્ટેટ્સને પરત નહીં કરે, તો તેના પરિણામો ભયંકર આવશે.

ટ્રમ્પે કહ્યું, અમે હાલમાં અફઘાનિસ્તાન સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે બગરામ એરબેઝ ટૂંક સમયમાં અમારા નિયંત્રણમાં આવે. જો અફઘાનિસ્તાન આમ નહીં કરે, તો તેમને ખબર પડશે કે હું શું કરવાનો છું. અગાઉ, ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ચીન પર નજર રાખવા માટે કાબૂલ નજીક એક મુખ્ય અફઘાન એરબેઝ ફરીથી કબ્જે કરવાની યોજના બનાવી રહ્યું છે.

અફઘાનિસ્તાન પર શાસન કરતા તાલિબાને તેનો જવાબ આપ્યો છે. તાલિબાને સ્પષ્ટપણે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાંથી કોઈપણ પ્રકારની યુએસ સૈન્ય કાર્યવાહી માટે મંજૂરી આપવામાં આવશે નહીં. બગરામ એરબેઝ અમેરિકાને સોંપવાનો કોઈ પ્રશ્ન જ નથી. 

તાલિબાન વિદેશ મંત્રાલયના રાજકીય નિર્દેશક ઝાકિર જલાલીએ પોસ્ટમાં લખ્યું કે અફઘાનિસ્તાન અને અમેરિકાએ વાતચીત કરવી જોઈએ. બંને દેશો પરસ્પર આદર અને સહિયારા હિતોને આધારે આર્થિક અને રાજકીય સંબંધો બનાવી શકે છે, પરંતુ અમેરિકાને સૈન્યની મંજૂરી આપવામાં આવશે નહીં.

લગભગ બે દાયકા સુધી નાટો દળો માટે મુખ્ય મથક, બગરામ એર બેઝ તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યાના થોડા સમય પહેલા અફઘાન સેનાને સોંપવામાં આવ્યું હતું. આ અંગે ટ્રમ્પે ગુરુવારે બ્રિટનમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમેરિકાએ તેમને બગરામ એરબેઝ મફતમાં આપ્યું છે.

ટ્રમ્પે આ દાવો કર્યો છે

રોઇટર્સના અહેવાલ મુજબ ટ્રમ્પે દાવો કર્યો હતો કે બગરામ એરબેઝ ચીનના પરમાણુ શસ્ત્રો ઉત્પાદન સ્થળથી માત્ર એક કલાકના અંતરે છે. ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે અમેરિકા પનામા કેનાલથી ગ્રીનલેન્ડ સુધીના વિવિધ સ્થળો પર કબ્જો કરે, તેથી તેમણે લાંબા સમયથી બગરામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 18 સપ્ટેમ્બરના રોજ તેમણે સંકેત આપ્યો હતો કે અમેરિકા એરબેઝનો કબ્જો લઈ શકે છે. જોકે, આ કરાર કેવા પ્રકારનો હશે તે હજુ સ્પષ્ટ નથી. જો કોઈ સોદો થાય છે, તો તે તાલિબાન માટે એક મોટો વળાંક હશે.

11 સપ્ટેમ્બર, 2001ના રોજ ન્યૂયોર્ક અને વોશિંગ્ટન પર અલ-કાયદાના હુમલા પછી શરૂ થયેલા 20 વર્ષ લાંબા યુદ્ધ દરમિયાન બગરામ એર બેઝ અફઘાનિસ્તાનમાં યુએસ સેનાનું સૌથી મોટું એરબેઝ હતું. આ એરબેઝમાં એક સમયે બર્ગર કિંગ અને પિઝા હટ જેવા ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટ્સ હતા, જે અમેરિકન સૈનિકોને ફૂ઼ડ આપતા હતા. ત્યાં ઇલેક્ટ્રોનિક્સથી લઈને અફઘાન કાર્પેટ સુધી બધું જ વેચતી દુકાનો પણ હતી. એક વિશાળ જેલ સંકુલ પણ હતું.