(મૃતક મોડેલનો ફોટો)
મોડેલ યુવકની હત્યા કરીને આરોપી ફરાર થઇ ગયો
જન્મદિવસની ઉજવણી કરવા ગયો હતો યુવક
અમદાવાદ: અડાલજ નજીકના અમીયાપુરમાં કેનાલ પાસે લૂંટ અને હત્યાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહેલા એક યુવક વૈભવની ઘાતકી હત્યા કરવામાં આવી છે, જ્યારે તેની સાથે રહેલી યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, શહેરના સરદાર નગર વિસ્તારના રહેવાસી વૈભવનો જન્મદિવસ હોવાથી તે મોટેરા વિસ્તારમાં રહેતી યુવતી સાથે અમીયાપુર કેનાલ રોડ પર બર્થડે સેલિબ્રેટ કરવા ગયો હતો. શનિવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે, એક અજાણ્યા શખ્સે તેમના પર હુમલો કર્યો હતો. લૂંટના ઇરાદે આવેલા આ હુમલાખોરે વૈભવ પર છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. જ્યારે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને અર્ધબેભાન અવસ્થામાં કારમાંથી મળી આવી હતી.
ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે ઇમર્જન્સી કોલ મળતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ સ્થળ સરદારનગર નજીકનો એકદમ નિર્જન વિસ્તાર છે. વૈભવનો મૃતદેહ રસ્તા પર પડ્યો હતો, જેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. યુવતીને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તેની સર્જરી ચાલી રહી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગુનો લૂંટ-કમ-હત્યાનો હોય તેવું જણાઈ રહ્યું છે. આ તબક્કે જાતીય હુમલાનો કોઈ પુરાવો મળ્યો નથી. ઇજાગ્રસ્ત યુવતી હજુ નિવેદન આપવાની સ્થિતિમાં નથી. તે જ્યારે ભાનમાં આવશે ત્યારે તેનું નિવેદન તપાસમાં ખૂબ મહત્વનું બની રહેશે. હુમલાખોરને પકડવા માટે પોલીસે 8 ટીમો બનાવી છે. પ્રાથમિક તપાસમાં એક જ હુમલાખોરની સંડોવણી હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ પોલીસ તમામ શક્યતાઓ પર ધ્યાન આપી રહી છે.
