રાજકોટઃ વિદેશ જવાની ઇચ્છામાં જ એક પુત્ર કપૂત બની ગયો, એક પુત્રએ પોતાના જ પિતાની હત્યા કરાવી નાખી છે. આ હત્યા કરવા માટે તેણે તેના પિતરાઈ ભાઈને એક લાખ રૂપિયાનની સોપારી આપી હતી. પોલીસે સત્ય સામે લાવીને બંને આરોપીઓની ધરપકડ કરી છે.
આ ઘટના 9 ડિસેમ્બર, 2025 ના રોજ બની હતી. ઉપલેટા તાલુકાના ચારેલીયા ગામની સીમમાં 50 વર્ષીય કાનાભાઈ જોગના મોતની જાણ પોલીસને કરવામાં આવી હતી. શરૂઆતમાં, મૃતકના ભત્રીજા વિરમ જોગે પોલીસને જણાવ્યું હતું કે તેના કાકાનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. રાજપરાથી ઢાંક ગામ જતી વખતે તે અકસ્માતમાં થયો હોવાનું કહ્યું હતું.
શંકા વધતા મૃતક કાના જોગની 22 વર્ષીય પુત્રી દેવી જોગે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં તેના પિતરાઈ ભાઈ વિરમ જોગ વિરુદ્ધ કલમ 103(1), 217(B) અને અન્ય કલમો હેઠળ કેસ નોંધાવ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન વિરમ ભાંગી પડ્યો અને તેણે સમગ્ર હત્યાના કાવતરાનો ખુલાસો કર્યો હતો.
તેણે કહ્યું કે આ બધું મૃતકના પુત્ર રામદે જોગ દ્વારા ઘડવામાં આવેલ યોજના હતી. તેણે હત્યાની સોપારી આપી હતી. બદલામાં 1 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તેણે વીરમને જીવનભર સાચવવાનું પણ વચન આપ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે 25 વર્ષીય રામદે જોગ નોકરી માટે ઇઝરાયલ જવાનો હતો. આ માટે તેને 16 લાખ રૂપિયાની જરૂર હતી.
પૈસા ભેગા કરવા માટે, તેણે એક વર્ષ પહેલા તેના પિતાના નામે HDFC વીમા પૉલિસી લીધી હતી, જેના દ્વારા તેને તેના પિતાના મોત પર 60 થી 70 લાખ રૂપિયા મળી શકે તેમ હતું. આ લોભને કારણે તેણે તેના પિતાને મારી નાખવાનું નક્કી કર્યું.
યોજના મુજબ, 8 ડિસેમ્બરના રોજ, વિરમે ઉંદર અને જંતુ ભગાડવાની દવા ઠંડા પીણામાં ભેળવીને કાનાભાઈને આપી હતી. જોકે, કાનાભાઈએ ઉલટી કરીને દવા કાઢી નાખી હતી, જેનાથી તેમનો જીવ બચી ગયો હતો. ત્યાર બાદ રામદેએ વિરમને તેના પિતાને કુહાડીથી મારી નાખવા જણાવ્યું હતું. 9 ડિસેમ્બરના રોજ, વિરમ કાનાભાઈને તેની બાઇક પર ખેતરમાં લઈ ગયો, તેમને દારૂ પીવડાવ્યો અને રૂમમાં સુવડાવ્યાં.પછી તેમના માથા પર કુહાડી વડે માર મારીને તેમની હત્યા કરી નાખી હતી. બંનેએ એક સ્ટોરી બનાવી કે કાનાભાઈનું મોત રોડ અકસ્માતમાં થયું છે.
પોલીસની સઘન તપાસ અને પૂછપરછમાં સમગ્ર કાવતરું બહાર આવ્યું. ભાયાવદર પોલીસે પુત્ર રામદે જોગ અને પિતરાઈ ભાઈ વિરમ જોગ બંનેની ધરપકડ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/