નવી દિલ્હી: અમેરિકાએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં, અમેરિકાની મુલાકાતે જઈ શકે છે. તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના વાર્ષિક સત્રને સંબોધિત કરે તેવી શક્યતા છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલી વક્તાઓની યાદી મુજબ, UNGAનું 80મું સત્ર 9 સપ્ટેમ્બરે શરૂ થશે. તેની મુખ્ય ચર્ચા 23 થી 29 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ચર્ચામાં બ્રાઝિલ પરંપરાગત રીતે પ્રથમ વક્તા હશે, ત્યારબાદ અમેરિકાનો નંબર આવશે.
વડાપ્રધાન મોદી 26 સપ્ટેમ્બરની સવારે સત્રને સંબોધિત કરે તેવી સંભાવના છે. દરમિયાન, વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સહિત અન્ય વૈશ્વિક નેતાઓ સાથે ઉચ્ચ-સ્તરીય બેઠકો કરી શકે છે.
ભારત અને અમેરિકાના વેપાર સંબંધોમાં કેટલાક તણાવ જોવા મળી રહ્યો છે તેવા સમયે જે આ મુલાકાત થઈ રહી હોવાથી તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મોદી જે દિવેસ સંબોધન કરશે તે દિવસે જ ઇઝરાયેલ, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વડા પણ UNGAને સંબોધશે.
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતીના પ્રથમ તબક્કા પર ચર્ચા કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/