કેવડિયા: સ્ટેચ્યૂં ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન 30 અને 31 ઓક્ટોબરે કેવડિયાના પ્રવાસે છે.
આજે સાંજે 4 વાગ્યે મોદી વડોદરા એરપોર્ટ ખાતે ઉતરશે. 15 મિનીટનું ટૂંકું રોકાણ કર્યા બાદ તેઓ કેવડિયા જવા રવાના થશે. વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસના VVIP રૂમમાં રોકાણ કરશે. જેને પગલે સર્કિટ હાઉસને સુરક્ષાના કારણોસર ખાલી કરાવીને SPG કમાન્ડો તૈનાત કરવામાં આવ્યાં છે.
31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપ્યાં બાદ વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટ પર આવશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે. આ ખાસ પ્રસંગે વડોદરાના રાજકીય નેતાઓ અને કાર્યકરો પણ કેવડિયા જવાના છે.
વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, સાંસદ હેમાંગ જોષી, તમામ ધારાસભ્યો, વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલરો સહિત લગભગ 500 જેટલા કાર્યકરો કેવડિયા જશે.
પીએમ મોદી એકતાનગરમાં રૂ.1219 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ સરદાર પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સ્મૃતિ સિક્કાનું અને ટપાલ ટિકીટનું અનાવરણ કરશે.
સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને જે 1219 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપવાના છે તેમાં 367 કરોડના ખર્ચે નિર્માણ થનારા ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયાના ખાતમુહૂર્ત સહિત કુલ રૂ. 700 કરોડથી વધુ રકમના ખાતમુહૂર્ત તથા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડાયેલા 303 કરોડના ખર્ચે નિર્મીત બિરસા મુંડા ભવનના ઉદ્ઘઘાટન સહિત કુલ 519 કરોડ રૂપિયાના વિકાસ કામોના ઉદ્ઘઘાટન પણ કરશે.