કાઠમંડુઃ સોમવારે નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોમાં 21 યુવાનોના મોત થયા છે. 350 થી વધુ યુવાનો ઘાયલ થયા છે. આમ છતાં, વિરોધીઓ પાછળ હટ્યાં નથી. જેના પછી નેપાળના પીએમ કેપી શર્મા ઓલી સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. હવે આ સમગ્ર ઘટના પછી ઓલીએ પોતાનું પહેલું નિવેદન બહાર પાડ્યું છે.
આખો મામલો સમજો ?
નેપાળ સરકારે તાજેતરમાં ફેસબુક અને એક્સ સહિત 26 સોશિયલ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો હતો. સોમવારે, નેપાળમાં હજારો વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે રસ્તા પર ઉતરી આવ્યાં હતા. આ સમય દરમિયાન, વિરોધીઓ સંસદ પરિષરમાં ઘૂસી ગયા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે પાણીના તોપ, ટીયર ગેસ અને રબર બુલેટનો પણ ઉપયોગ કર્યો હતો, પરંતુ પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી, ત્યાર બાદ પોલીસે ગોળીબાર કર્યો હતો જેમાં 21 યુવાનોનાં મોત થયા છે. જ્યારે 350 થી વધુ યુવાનો ઘાયલ થયા છે.
પીએમ ઓલીએ શું કહ્યું ?
નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ દેશમાં થઈ રહેલા મોટા વિરોધ પ્રદર્શનો પર એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું- આજે Gen-Z પેઢી દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન બનેલી દુ:ખદ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. અમને વિશ્વાસ હતો કે અમારા નાગરિકો શાંતિપૂર્ણ રીતે તેમની માંગણીઓ રજૂ કરશે, પરંતુ વિવિધ સ્વાર્થી લોકો દ્વારા વિરોધ પ્રદર્શનમાં ઘૂસણખોરી થવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં નાગરિકોના દુ:ખદ જીવ ગયા છે. સરકાર સોશિયલ મીડિયાના ઉપયોગને રોકવાના પક્ષમાં ન હતી અને તેના ઉપયોગ માટે વાતાવરણ સુનિશ્ચિત કરશે. આ માટે સતત વિરોધ પ્રદર્શન કરવાની કોઈ જરૂર ન હતી. આ પરિસ્થિતિ ચાલુ રહેવા દેવામાં આવશે નહીં. હું તમને ખાતરી આપવા માંગુ છું. આજના પ્રદર્શનો માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવશે અને ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા પગલાં લેવાની ભલામણ કરવા માટે 15 દિવસની અંદર અહેવાલ રજૂ કરવામાં આવશે.
સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ પાછો ખેંચ્યો
નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય સરકારે પાછો ખેંચી લીધો છે. યુવાનોના વિરોધને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. નેપાળના સંદેશાવ્યવહાર, માહિતી અને પ્રસારણ મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે કટોકટી કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી હતી. માહિતી મંત્રાલયે સંબંધિત એજન્સીઓને સોશિયલ મીડિયા સાઇટ્સ ફરી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. સરકારે Gen Z વિરોધીઓને તેમનું આંદોલન પાછું ખેંચવા અપીલ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++