+

સુરત પાસપોર્ટ ઓફિસમાં 3 દિવસમાં બીજી વાર શંકાસ્પદ મેઇલ મળ્યો

તમિલ ભાષામાં ધમકીથી તપાસ તેજ સુરતઃ શહેરની પાસપોર્ટ ઓફિસમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર દોડધામ મચી ગઈ છે. 27 ફેબ્રુઆરીના રોજ મળેલા ધમકીભર્યા મેઇલ બાદ, આજે 2 માર્ચના રોજ ફરી એકવાર તમિલ ભાષામાં

તમિલ ભાષામાં ધમકીથી તપાસ તેજ

સુરતઃ શહેરની પાસપોર્ટ ઓફિસમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર દોડધામ મચી ગઈ છે. 27 ફેબ્રુઆરીના રોજ મળેલા ધમકીભર્યા મેઇલ બાદ, આજે 2 માર્ચના રોજ ફરી એકવાર તમિલ ભાષામાં શંકાસ્પદ મેઇલ મળતા તંત્ર હરકતમાં આવ્યું છે.

મેઇલની જાણ થતા જ ઉમરા પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. સુરતની મુખ્ય રિજનલ પાસપોર્ટ ઓફિસ સહિત ઉધના, નાનપુરા અને દક્ષિણ ગુજરાતના બારડોલી, નવસારી અને વલસાડ કેન્દ્રો પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ વખતે મેઇલ સંપૂર્ણપણે તમિલ ભાષામાં છે. પ્રાથમિક વિગતો મુજબ, તેમાં તમિલનાડુના એક નાગરિક પર કોર્ટ ટ્રાયલ વગર હત્યાનો આરોપ, કસ્ટડી ડેથ અને તમિલનાડુના રાજકારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લાંબી તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

અગાઉનો મેઇલ અંગ્રેજીમાં હતો, જ્યારે આ મેઇલ તમિલમાં હોવાથી પોલીસે વિગતો સમજવા માટે તમિલ ભાષાના જાણકારની મદદ લીધી છે. હાલમાં આ શંકાસ્પદ મેઇલ મોકલનાર શખસને ટ્રેસ કરવા માટે સાયબર સેલ સક્રિય બન્યું છે. સુરક્ષાના કારણોસર દક્ષિણ ગુજરાતના તમામ પાસપોર્ટ સેવા કેન્દ્રોને હાલ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

facebook twitter